Mon Oct 12 2026

Logo

જરાંગે પાટીલના ભૂતપૂર્વ સહયોગી પર હુમલો: ત્રણની અટકાયત...

2026-10-12 18:25:17
Author: Yogesh D. Patel
જરાંગે પાટીલના ભૂતપૂર્વ સહયોગી પર હુમલો: ત્રણની અટકાયત...

બીડ: બીડ જિલ્લાના પાલી ગામમાં મરાઠા અનામત આંદોલનકારી જરાંગે પાટીલના ભૂતપૂર્વ સહયોગી પર યુવાનોના જૂથે હુમલો કર્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે બપોરે આ ઘટના બની હતી. અમોલ ખુને રવિવારે બપોરે નાગનાથ મંદિરે ગયો હતો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ખુનેના બંને હાથમાં ઇજા પહોંચી હતી.

ખુને પર લાઠી અને સળિયાથી હુમલો કરનાર યુવાનોનું જૂથ તુળજાપુરથી  ‘જ્યોત’ લઇને જઇ રહ્યું હતું. ઘાયલ થયેલા ખુનેને બીડ જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.ખુનેએ આક્ષેપ કર્યો હતો કે જરાંગે વિરુદ્ધ બોલવાને કારણે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ખુનેએ કહ્યું હતું કે તે અનામત આંદોલનકારીના ‘કુકર્મો’ને ઉજાગર કરવાનું ચાલુ રાખશે.

ખુનેએ દાવો કર્યો હતો કે આ હુમલાનો હેતુ તેને નારાયણગઢ ખાતેની દશેરા રેલીમાં હાજરી આપતા રોકવાનો પણ હતો.બીડ ગ્રામીણ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર બલરાજ દરાડેએ જણાવ્યું હતું કે આ મામલામાં ત્રણ શકમંદની અટકાયત કરવામાં આવી છે અને તપાસના ભાગરૂપે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. (પીટીઆઇ)