મુંબઈ: મુંબઈમાં રેલવેની જમીન પર બનેલાં ગેરકાયદે ઝૂંપડાં હટાવવાની કાર્યવાહી વધુ જોર પકડવાની છે. બાંદ્રાના ગરીબ નગર બાદ હવે કુર્લા-ટ્રોમ્બે રેલવે લાઈન પાસે આવેલાં 3,762 ઝૂંપડાંના રહેવાસીઓને નવી હટાવવાની નોટિસ આપવામાં આવશે. મધ્ય રેલવે આ અઠવાડિયાથી નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ કરશે. બોમ્બે હાઇ કોર્ટના 7 ઑક્ટોબરના આદેશ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. રેલવેની જમીન ખાલી કરાવવા સાથે સુરક્ષા અને માળખાકીય વિકાસને પણ આ કાર્યવાહીનું કારણ ગણાવવામાં આવ્યું છે.
આ મામલે સાત અસરગ્રસ્ત રહેવાસીઓની અરજી પર સુનાવણી કરતાં હાઇ કોર્ટે રેલવેને નવી નોટિસ આપવાનો નિર્દેશ આપ્યો હતો. અહેવાલ અનુસાર, આ રહેવાસીઓને અગાઉ 2022માં જાહેર મિલકત પરથી અનધિકૃત કબજો હટાવવા સંબંધિત કાયદા હેઠળ કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. હવે ફરીથી નોટિસ આપીને રેલવેની જમીન ખાલી કરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.
કુર્લા-ટ્રોમ્બે રેલવે લાઈન પાસેના આ ઝૂંપડાં લગભગ 9,000 ચોરસ મીટર રેલવેની જમીન પર આવેલાં છે. આ લાઈનનો ઉપયોગ માલગાડીઓની અવરજવર માટે થાય છે, જેમાં મુંબઈના પૂર્વીય વિસ્તારોનાં ઔદ્યોગિક એકમો અને પેટ્રોલિયમ સ્થાપનો માટે તેલનાં ટેન્કર પણ સામેલ છે.
ઝૂંપડાં રેલવે ટ્રેક અને ઓવરહેડ વીજતારોની નજીક હોવાથી આગ અને રેલવે કામગીરીની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ જમીનનો ઉપયોગ સીએસએમટીથી કુર્લા વચ્ચે પાંચમી અને છઠ્ઠી રેલવે લાઈનના પ્રસ્તાવિત વિસ્તરણ માટે પણ આવશ્યક હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
કુર્લાના કુરેશી નગરમાં 21 ઑગસ્ટે બનેલી ક્રેન દુર્ઘટના બાદ આ વિસ્તારમાં સુરક્ષાનો મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો હતો. એક જર્જરિત ઈમારત તોડવાની કામગીરી દરમિયાન 250 ટનની હાઇડ્રોલિક ક્રેન ઝૂંપડાં પર પડતાં 10 લોકો ઘાયલ થયા હતા. અનેક ઝૂંપડાંને નુકસાન થયું હતું અને ઉપરથી પસાર થતા વીજતારો પણ તૂટી પડ્યા હતા. આ ઘટનાને કારણે માલગાડીની અવરજવર પણ ખોરવાઈ હતી.
હાઈ કોર્ટે માત્ર હટાવવાની કાર્યવાહી જ નહીં, પરંતુ અસરગ્રસ્ત પરિવારો માટે પુનર્વસનના વિકલ્પો તપાસવાના પણ નિર્દેશ આપ્યા છે. અહેવાલ મુજબ અસરગ્રસ્ત પરિવારોને છ મહિના સુધી દર મહિને ₹ 2,000ની વચગાળાની આર્થિક સહાય આપવાની રહેશે. આ ઉપરાંત, યોગ્યતા ધરાવતા પરિવારો માટે પુનર્વસનની શક્યતાઓ તપાસવામાં આવશે.
બાંદ્રાના ગરીબનગરમાં આ વર્ષની શરૂઆતમાં રેલવે લાઇનના વિસ્તરણ માટે 500થી વધુ અનધિકૃત માળખાં તોડવામાં આવ્યાં હતાં અને પુનર્વસન માટે પાત્ર લગભગ 100 પરિવારોને એમએમઆરડીએ દ્વારા આવાસ આપવામાં આવ્યા હતા. હવે કુર્લા-ટ્રોમ્બેના રહેવાસીઓ માટે આગળની કાર્યવાહી હાઇ કોર્ટના નિર્દેશો અનુસાર હાથ ધરાશે.