Mon Oct 12 2026

Logo

એમપીએસસી ડ્રગ ઇન્સ્પેક્ટર પેપર લીક કેસ: વધુ એક આરોપીની ધરપકડ...

2026-10-12 20:09:04
Author: Yogesh D. Patel
એમપીએસસી ડ્રગ ઇન્સ્પેક્ટર પેપર લીક કેસ: વધુ એક આરોપીની ધરપકડ...

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ: મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી) દ્વારા લેવાતી ડ્રગ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું પેપર લીક થવાના કેસની તપાસ કરી રહેલી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની મંગળવારે ધરપકડ કરી હતી. 

આરોપીની ઓળખ મયૂર ચંદ્રકાંત ઠાકરે તરીકે થઇ હતી. મયૂર ઠાકરેને કોર્ટમાં હાજર કરાતાં તેને 17 ઑક્ટોબર સુધી પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. મયૂર ઠાકરેની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીની સંખ્યા 12 થઇ છે. 

એમપીએસસી દ્વારા ડ્રગ ઇન્સ્પેક્ટર (ગ્રૂપ-2)ની પરીક્ષા 22 માર્ચ, 2026ના રોજ યોજાઇ હતી. જોકે પરીક્ષા અગાઉ પ્રશ્ર્નપત્રોમાંથી ગેરકાયદે રીતે પ્રશ્ર્નો મેળવાયા હતા અને એક અલગ સૅટ તૈયાર કરીને તેને અન્યોને વહેંચવામાં આવ્યા હતા. આ પ્રકરણે તપાસ કરવામાં આવ્યા બાદ ગુનો દાખલ કરાયો હતો.

ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલે આ કેસમાં એમપીએસસીના આસિસ્ટન્ટ સેકશન ઓફિસર વિશ્ર્વેશ્ર્વર દત્તાત્રય નકાતે અને ગોપાલ મરાઠે, એમપીએસસીના એડિશનલ સેક્રેટરી અભિજીત ગણપતરાવ લેંડવે, નંદુરબારની કૌટિલ્ય એકેડમીના સંચાલક પ્રવીણ દિલીપ પાટીલ સહિત 11 જણની ધરપકડ કરી હતી.