નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં પંજાબ સરકારને રાહત આપી છે. જેમાં સીબીઆઈ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહી છે.કોર્ટે એફઆઈઆર નોંધવા પણ રોક નથી લગાવી પરંતુ કોઇ કડક કાર્યવાહી ન કરવા માટે આદેશ આપ્યો હતો.
બે મહિનાની અંદર અહેવાલ રજૂ કરવા માટે સીબીઆઈને આદેશ આપ્યો
સુપ્રીમ કોર્ટે આ આદેશ પંજાબ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી એ અરજીના જવાબમાં આવ્યો છે જેમાં હાઈકોર્ટના નિર્દેશ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકાર સાથે સંકળાયેલી વ્યક્તિઓ સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવા અને બે મહિનાની અંદર અહેવાલ રજૂ કરવા માટે સીબીઆઈને આદેશ આપ્યો હતો.
ખંડપીઠે કેન્દ્ર સરકાર, સીબીઆઈ, ઈડી અને અન્યને નોટિસ ઇસ્યુ કરી
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કેન્દ્ર સરકાર, સીબીઆઈ, ઈડી અને અન્યને નોટિસ ઇસ્યુ કરી હતી. જયારે ખંડપીઠે જણાવ્યું કે, અમે એફઆઈઆર પર રોક નથી લગાવી રહ્યા. અમે કહી રહ્યા છીએ કે કોઈ પણ પ્રકારની દબાણયુક્ત કાર્યવાહી કરવામાં ન આવે.
તમામ દસ્તાવેજો સીબીઆઇને સોંપવાનો નિર્દેશ પણ આપ્યો
આ કેસમાં અરજદારે જણાવ્યું હતું કે ઇડી દ્વાર આપ સરકારને માહિતી મોકલવામાં આવી હોવા છતાં, અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એવી દલીલ કરવામાં આવી હતી કે આ આરોપો અંગે નિષ્પક્ષ તપાસ જરૂરી છે, કારણ કે તે રાજ્ય સરકારની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. હાઈકોર્ટે પંજાબ પોલીસ અને સરકારને આ મામલાને લગતા તમામ દસ્તાવેજો સીબીઆઇને સોંપવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
પંજાબ સરકારે જણાવ્યું હતું કે આ ચુકાદામાં અનેક ખામીઓ
જ્યારે હાઈકોર્ટના નિર્ણયને વિવિધ આધાર પર પડકારતા, પંજાબ સરકારે જણાવ્યું હતું કે આ ચુકાદામાં અનેક ખામીઓ રહેલી છે. સરકારનું કહેવું છે કે કોર્ટે PMLAની કલમ 66(2) હેઠળ પૂરી પાડવામાં આવેલી માહિતીને કેસ નોંધવાના ફરજિયાત નિર્દેશ તરીકે ગણી છે.