લખનઊઃ ભારતના આક્રમક મિડલ-ઑર્ડર બૅટ્સમૅન રિન્કુ સિંહ (Rinku Singh)નો આજે 29મો જન્મદિન છે અને એ પ્રસંગે તેને સાથી ક્રિકેટરો, મિત્રો, સંબંધીઓ તરફથી અભિનંદનના સંદેશા મળી રહ્યા છે અને એમાં સૌથી પ્રેમભર્યો મૅસેજ મંગેતર અને સંસદસભ્ય પ્રિયા સરોજ તરફથી મળ્યો છે.
પ્રિયા સરોજે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રિન્કુ સાથેની ખૂબ સુંદર તસવીર શૅર કરવાની સાથે લાગણીથી છલકતો સંદેશ (Message) લખ્યો છે. આ તસવીરમાં રિન્કુ અને પ્રિયા એક મંદિરમાં વચ્ચે ઊભા છે અને એમાં તેમની સાદગી નજરે પડે છે. તેમની પાછળ તેમના કેટલાક ચાહકો તેમ જ ભક્તો ઊભેલા જોવા મળે છે.
28 વર્ષનો લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન રિન્કુ સિંહ ભારત વતી 48 ટી-20 અને બે વન-ડે રમ્યો છે. આઇપીએલમાં તે કિંગ્સ ઇલેવન પંજાબ તથા કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમ્યો છે. 27 વર્ષની પ્રિયા સરોજ પણ રિન્કુની જેમ ઉત્તર પ્રદેશની જ છે. પ્રિયા સમાજવાદી પાર્ટીની સંસદસભ્ય છે.
પ્રિયા સરોજે ફિયૉન્સ રિન્કુ માટેના બર્થ-ડે મૅસેજમાં લખ્યું છે, `હૅપી બર્થ-ડે આરકે...મારી એ જ શુભકામના છે કે જિંદગી તમને એ તમામ ખુશી, પ્રેમ અને સફળતા આપે જેના તમે ખરા હકદાર છો. તમે હંમેશાં હસતા રહો અને તમે તમારા તમામ સપનાં પૂરા કરવામાં સફળ થાઓ. હજી આપણે જિંદગીભરની યાદગાર પળો બનાવવાની બાકી છે.'
રિન્કુ સિંહે જન્મદિનની પહેલાનો દિવસ (રવિવાર) રણજી ટ્રોફીમાં સેન્ચુરી સાથે ઉજવ્યો હતો. તેણે બિહાર સામે ઉત્તર પ્રદેશ વતી રમતી વખતે સેન્ચુરી ફટકારી હતી. તે 109 રન પર નૉટઆઉટ રહ્યો હતો અને આજે 112 રન પર વિકેટ ગુમાવી હતી જેમાં ત્રણ છગ્ગા અને આઠ ચોગ્ગા સામેલ હતા.