સ્થાનિક પોલીસ પર રાજકીય દબાણ હોવાનો આક્ષેપ કર્યો
થાણે: શિવસેના (યુબીટી)ના નેતા પ્રદીપ પુર્ણેકરની 29 સપ્ટેમ્બરે હત્યા થયા બાદ તેમના પુત્રએ સોમવારે કેસની તપાસ થાણે પોલીસ પાસેથી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને સોંપવાની માગ કરી હતી.
રામ પુર્ણેકરે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે તપાસ સ્થાનિક રાજકીય દબાણથી મુક્ત હોવી જોઇએ. તેણે કહ્યું હતું કે મારા પરિવારજનો અને મૃત નેતાના સમર્થકો આ કેસમાં કાર્યવાહી માટે વહીવટીતંત્ર પર દબાણ લાવવા માટે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કરશે.
સીબીઆઇની તપાસની માગ કરતાં રામ પુર્ણેકરે જણાવ્યું હતું કે થાણેનાં ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદે અને તેના પતિ રાજેન્દ્રને પોલીસે મારા પિતાની હત્યાના ‘માસ્ટરમાઇન્ડ’ તરીકે ગણવા જોઇએ. પોલીસ ભારે દબાણ હેઠળ છે. જોકે શિંદે દંપતીએ સતત તેમની સંડોવણીના આરોપોને નકારી કાઢ્યા છે.
રામ પુર્ણેકરે દાવો કર્યો હતો કે ભાજપના અનેક નેતાઓ શોકગ્રસ્ત પરિવારને મળ્યા હતા, પરંતુ શિવસેનામાંથી કોઇ પણ તેમને મળવા આવ્યું નહોતું. અમે (પરિવારજનો) હજી પણ કેસ સંબંધમાં મુખ્ય પ્રધાનને મળવા માટે સમય મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
નોંધનીય છે કે પ્રદીપ પુર્ણેકરની પક્ષના કાર્યાલય બહાર 29 સપ્ટેમ્બરે હત્યા કરવામાં આવી હતી. પુર્ણેકર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાંથી બે ગોળી તેમને વાગી હતી. હુમલાખોરોએ પુર્ણેકર પર ગોળીબાર કર્યા બાદ ચોપરથી હુમલો કર્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી બે ખાલી કારતૂસ અને બે જીવંત કારતૂસ મળી હતી. આ કેસમાં મુખ્ય આરોપી સંતોષ કનોજિયા અને પપ્યા શિંદે સહિત પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે. (પીટીઆઇ)