Mon Oct 12 2026

Logo

ક્રૂડતેલના ભાવ ઉછળતાં ઈક્વિટી માર્કેટમાં આરંભિક સુધારો ધોવાયો, સેન્સેક્સમાં 547 પૉઈન્ટની અને નિફ્ટીમાં 157 પૉઈન્ટની પીછેહઠ...

2026-10-12 19:56:00
Author: Ramesh Gohil
ક્રૂડતેલના ભાવ ઉછળતાં ઈક્વિટી માર્કેટમાં આરંભિક સુધારો ધોવાયો, સેન્સેક્સમાં 547 પૉઈન્ટની અને નિફ્ટીમાં 157 પૉઈન્ટની પીછેહઠ...

Chat GPT Image


વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 1708.48 કરોડની વેચવાલી સામે સ્થાનિક ફંડોની રૂ. 3045.02 કરોડની લેવાલી 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ વૈશ્વિક બજારમાં આજે બે્રન્ટ ક્રૂડ તેલના ભાવમાં વધારો થવાથી ફુગાવામાં વધારો થવાની તેમ જ વ્યાજદરમાં વધુ વધારો થવાની ભીતિ સપાટી પર આવતા એફએમસીજી અને આઈટી ક્ષેત્રના શૅરોમાં વેચવાલીનું દબાણ વધતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સત્રના આરંભિક તબક્કામાં જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હતો અને અંતે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ 547.65 પૉઈન્ટ અને નેશનલ સ્ટોક એકેસચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી 157.10 પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. 

એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 12,583.21 કરોડની ખરીદી સામે રૂ. 14,291.69 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 1708.48 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 15,506.73 કરોડની ખરીદી સામે રૂ. 12,461.71 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 3045.02 કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.
 
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના 72,472.33ના બંધ સામે સુધારાના અન્ડરટોને 72,771.32ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 71,676.10 અને ઉપરમાં 72,884.25ની રેન્જમાં રહીને અંતે 0.76 ટકા અથવા તો 547.65 પૉઈન્ટના ઘટાડા સાથે 71,924.68ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના 22,520.45ના બંધ સામે વધીને 22,593.20ના મથાળે ખૂલ્યા બાદ નીચામાં 22,304.45 અને ઉપરમાં 22,651.10ની રેન્જમાં રહીને અંતે આગલા બંધ સામે 0.70 ટકા અથવા તો 157.10 પૉઈન્ટના ઘટાડા સાથે 22,363.35ની સપાટીએ બંધ રહ્યો હતો. 

એકંદરે આજે ક્રૂડ તેલના ભાવ આગલા બંધ સામે 1.14 ટકા ઉછળીને બેરલદીઠ 105.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ ઉપરાંત ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3568.90 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા આર્થિક ચિંતાઓ સપાટી પર આવી હતી અને બજારનું સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું હતું. વધુમાં આજે અમેરિકાના 10 વર્ષીય બૉન્ડની યિલ્ડ વધીને ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતાં બજારના ઘટાડાને ટેકો મળ્યો હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. 

આ ઉપરાંત રિઝર્વ બૅન્કે અતિરિક્ત પ્રવાહિતા ઘટાડવા બૅન્કો માટેના કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં વધારો કર્યો હોવાથી બૅન્કિંગ ક્ષેત્રના શૅરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હોવાનું તેમણે જણાવતા ઉમેર્યું હતું કે ગત સપ્ટેમ્બર મહિનામાં ખાદ્ય ચીજોના ભાવ વધી આવતાં રિટેલ ફુગાવો વધીને 5.54 ટકાના સ્તરે રહ્યો છે. જોકે, આ અહેવાલ બજારના સત્ર પશ્ચાત્‌‍ આવ્યા હતા. 
હાલમાં કૉમૉડિટીના ઊંચા ભાવ અને વૈશ્વિક સ્તરે બૉન્ડની યિલ્ડમાં થતાં વધારાને ધ્યાનમાં લેતા રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા તંગ નાણાનીતિનું વલણ જાળવી રાખશે અને વર્તમાન નાણાકીય વર્ષમાં હજુ બે વખત વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા એલારા કેપિટલનાં અર્થશાસ્ત્રી અને રિસર્ચ વિભાગના ડેપ્યુટી હેડ ગરીમા કપૂરે વ્યક્ત કરી હતી. 

આજે ડૉલર સામે રૂપિયામાં આરંભિક તબક્કે તીવ્ર ઉછાળો આવતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, ત્યાર બાદ ક્રૂડ તેલના ભાવમાં જોવા મળેલો વધારો અને ગત શુક્રવારે પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલી રહી હોવનું એક્સચેન્જની આંકડાકીય માહિતી પરથી જાણવા મળતાં સુધારો ધોવાઈ ગયો હોવાનું ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થટૅક કંપની એન્રીચ મનીના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું. 

ગત શનિવારે રિઝર્વ બૅન્કે ફોરેક્સ ડેરિવેટીવ્સમાં સટ્ટાકીય પ્રવૃત્તિ નાથવા માટે બૅન્કોને 20 લાખ ડૉલરથી વધુ ખરીદી સામે 20 ટકા રિઝર્વ તૈયાર કરવા જણાવ્યું હતું. તેમ જ અન્ય પગલાંમાં રિઝર્વ બૅન્કે ફોરેન એક્સચેન્જ ડેરિવેટીવ્સમાં ભારતીય રૂપિયાનાં ડિલિવરેબલ અથવા નોન ડિલિવરેબલ કોન્ટ્રાક્ટમાં ઑથોરાઈઝડ ડીલરોને નવાં કોન્ટ્રાક્ટ લેવાની મંજૂરી ન આપવા જણાવ્યું હતું. આમ પ્રવાહિતા તંગ કરવાના રિઝર્વ બૅન્કના પગલાંને કારણે બૅન્કિંગ, ફાઈનાન્સ અને રિલાયન્સ, આઈટીસી અને ટૅક્નોલૉજી કંપનીમાં વેચવાલીનું દબાણ વધતાં બૅન્ચમાર્કમાં પીછેહઠ જોવા મળી હોવાનું એચએસટી વૅલ્થનાં સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર હરિસેલ્વન રાધાકૃષ્નને જણાવ્યું હતું. 

આજે બીએસઈ ખાતે કુલ 4736 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાંથી 2219 શૅરના ભાવ વધીને, 2259 શૅરના ભાવ ઘટીને અને 258 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ 148 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 183 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. વધુમાં આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી માત્ર સાત શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા. જેમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં 1.38 ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 0.84 ટકાનો, કોટક મહિન્દ્રા બૅન્કમાં રૂ. 0.66 ટકાનો, એચસીએલ ટેક્નોલૉજીસમાં 0.47 ટકાનો, બજાજ ફાઈનાન્સમાં 0.28 ટકાનો, સન ફાર્મામાં 0.13 ટકાનો અને ટાઈટનમાં 0.09 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 3.23 ટકાનો ઘટાડો આઈટીસીમાં આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટેક મહિન્દ્રામાં 3.10 ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં 2.10 ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં 1.87 ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં 1.78 ટકાનો અને ટીસીએસમાં 1.67 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 36 શૅરના ભાવ ઘટીને, 13 શૅરના ભાવ વધીને અને એક શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. 

જોકે, આજે બીએસઈના સ્મોલકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 1.65 ટકાનો અને મિડકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.66 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં હોસ્પિટલ ઈન્ડેક્સમાં 2.04 ટકાનો, એફએમસીજી ઈન્ડેક્સમાં 1.34 ટકાનો, પીએસયુ બૅન્ક ઈન્ડેક્સમાં 1.05 ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં 0.68 ટકાનો, ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં 0.63 ટકાનો અને એનર્જી ઈન્ડેક્સમાં 0.53 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેની સામે હાઉસિંગ ફાઈનાન્સ ઈન્ડેક્સમાં 1.86 ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 1.31 ટકાનો, રિઅલ્ટી ઈન્ડેક્સમાં 0.80 ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં 0.75 ટકાનો, ક્નઝ્યુમર ડિસ્ક્રેશનરી ઈન્ડેક્સમાં 0.32 ટકાનો અને મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ક્વૉલિટી ટિલ્ટ ઈન્ડેક્સમાં 0.29 ટકાનો સુધારો આવ્યો હતો. 

દરમિયાન આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 3.65 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો, જ્યારે શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ સાધારણ ઘટાડા સાથે અને હૉંગકૉંગના હૅંગસૅંગ ઈન્ડેક્સમાં સાધારણ સુધારો નોંધાયો હતો. આ સિવાય મધ્યસત્ર દરમિયાન યુરોપનાં બજારોમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા.