Thu Oct 08 2026

Logo

શેરબજારમાં કેમ થયા દસ લાખ કરોડ સ્વાહા? ક્યા ત્રણ મુખ્ય કારણોએ માર્યો ફટકો?

2026-10-08 18:57:58
Author: Nilesh Waghela
શેરબજારમાં કેમ થયા દસ લાખ કરોડ સ્વાહા? ક્યા ત્રણ મુખ્ય કારણોએ માર્યો ફટકો?

શું નિફ્ટીમાં વધુ ૨૫૦થી ૫૫૦ પોઇન્ટનો કડાકો બોલાશે?

નિલેશ વાઘેલા


મુંબઇ: વિદેશી સંસ્થાકીય રોકાણકારોની આક્રમક વેચવાલી, આરબીઆઇની કડક નાણાકીય નીતિ અને વૈશ્ર્વિક સ્તરે ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે ભારતીય શેરબજારમાં નોંધાયેલા તોતિંગ કડાકા અંતર્ગત સેન્સેક્સ ૧,૦૦૦થી વધુ પોઈન્ટ તૂટ્યો જ્યારે નિફ્ટી બાવન સપ્તાહના નવા નીચલા સ્તરે પહોંચી ગયો છે. એ જ સાથે, બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૦૪ ડોલર સુધી પહોંચવાને કારણે પણ બજાર પર દબાણ વધ્યું હતું.

સેન્સેક્સ એક તબક્કે ૧૩,૩૪૯ પોઇન્ટ સુધી નીચે ખાબક્યા બાદ અંતે ૧,૦૪૫.૪૬ પોઈન્ટ અથવા ૧.૪૪ ટકાના ઘટાડા સાથે ૭૧,૫૯૩.૨૪ પર બંધ થયો; અગાઉ તે ૭૨,૬૩૮.૭૦ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૩૭૧.૨૫ પોઈન્ટ અથવા ૧.૬૪ ટકાના ઘટાડા સાથે ૨૨,૨૩૧.૮૦ પર બંધ થયો; અગાઉ તે ૨૨,૬૦૩.૦૫ પર બંધ થયો હતો. આ જોરદાર કડાકાને કારણે બીએસઇના માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. ૧૦ લાખ કરોડથી વધુનું ધોવાણ નોંધાયું છે.

બજારના તમામ મુખ્ય ઇન્ડેક્સમાં ધોવાણ જોવા મળ્યું છે, જેમાં નિફ્ટી મિડકેપ ૫૦ ઇન્ડેક્સમાં સૌથી વધુ ૨.૭૧ ટકાનો કડાકો જોવા મળ્યો છે. સેકટરલ ધોરણે નિફ્ટી મેટલમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો અને તે સૌથી નબળું પ્રદર્શન કરનાર ક્ષેત્ર બન્યું હતું; ત્યારબાદ હેલ્થકેર અને ફાર્મા ક્ષેત્રોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

બીએસઇ પર, ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક અને ઇન્ફોસીસ સૌથી વધુ વધારો નોંધાવનારા શેરો હતા. જ્યારે આઇટીસી, ઇન્ડિગો, પાવર ગ્રીડ, અદાણી પોર્ટ્સ, એનટીપીસી, રિલાયન્સ, મારુતિ, ટાટા સ્ટીલ, લાર્સન અને ભારતી એરટેલ વગેરે શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.

 તે જ રીતે, એનએસઇ પર ઇન્ફોસીસ, ટેક મહિન્દ્રા અને એક્સિસ બેંક સૌથી વધુ વધારો નોંધાવનારા શેરો હતા. જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસ, જેએસડબલ્યુ સ્ટીલ, આઇટીસી, મેક્સ હેલ્થ, ઇન્ડિગો, ટીએમપીવી, પાવર ગ્રીડ, બીઇએલ, આઇશર મોટર્સ, ઇટર્નલ અને એશિયન પેઇન્ટ્સ વગેરે શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.

ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું છે કે નિફ્ટીએ મામૂલી પુલબેક બાદ ફરી એપ્રિલ ૨૦૨૬ની ૨૨,૧૮૨.૫૫ની સપાટીનું પરિક્ષણ કર્યું છે, જે માળખાની નબળાઇ છતી કરે છે. જો નિફ્ટી આ સપાટી નિર્ણાયક રીતે તોડશે તો બેન્ચમાર્ક ૨૧,૭૦૦- ૨૨,૦૦૦ના ઝોન સુધી ગબડી શકે છે. હાલ નિફ્ટી માટે ૨૨,૪૦૦ના સ્તરે તાત્કાલિક અવરોધ છે.

બજારના કડાકા પાછળના મુખ્ય પરિબળો:-

૧) ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો: ગલ્ફ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં શિપિંગ પર વધતા હુમલાઓને કારણે પશ્ર્ચિમ એશિયાના પુરવઠામાં સતત સર્જાઇ રહેલા અવરોધને કારણે ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ ચાર ટકા ઉછળીને ૧૦૪.૦૭ ડોલર પ્રતિ બેરલ બોલાઇ ગયું હતું.

૨) એફઆઇઆઇની એકધારી વેચવાલી:વિદેશી ફંડોનું સતત વેચાણ ચિંતાનો વિષય બની ગયો છે, અને તેમાં વહેલાસર બ્રેક લાગે એવા કોઇ અણસાર નથી. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બુધવારે રૂ. ૬,૧૦૦ કરોડથી વધુ મૂલ્યના ભારતીય ઇક્વિટી વેચ્યા હતા.

૩) આરબીઆઇ દ્વારા દરમાં વધારો: ભારતીય રિઝર્વ બેંકે બુધવારે તેના બેન્ચમાર્ક રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટનો વધારો કરીને ૫.૫૦ ટકા કર્યો, જે લગભગ ચાર વર્ષમાં તેનો પ્રથમ વધારો છે, જ્યારે સંકેત એવા છે કે નજીકના ભવિષ્યમાં દરમાં ઘટાડો શક્યતાની બહાર છે અને વધતો જતો ફુગાવો, રૂપિયાની નબળાઇ અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ જોતાં દરમાં વધુ વધારો થઈ શકે છે. આરબીઆઇએ નીતિગત વલણને તટસ્થથી બદલીને કેલિબ્રેટેડટાઇટનીંગ જાહેર કર્યું છે. બજારના સેન્ટિમેન્ટને ફટકો મારનારું આ સૌથી મહત્ત્વનું પરિબળ છે.