Thu Oct 08 2026

Logo

થાણેમાં 2.72 કરોડની અંબરગ્રીસ સાથે મહિલા સહિત બેની ધરપકડ

2026-10-08 18:58:10
Author: Yogesh D. Patel
થાણેમાં 2.72 કરોડની અંબરગ્રીસ સાથે મહિલા સહિત બેની ધરપકડ

થાણે: થાણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ 2.72 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતની અંબરગ્રીસ (વ્હેલની ઊલટી) જપ્ત કરી મહિલા સહિત બે જણને ઝડપી પાડ્યાં હતાં. હૅડ કોન્સ્ટેબલ ગણેશ બડગુજરે આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1ની ટીમે પાંચમી ઑક્ટોબરે થાણે પશ્ર્ચિમમાં જાંબલી નાકા વિસ્તારમાં લોજ નજીક છટકું ગોઠવીને મહિલા સહિત બે જણને તાબામાં લીધા હતાં.

કોલ્હાપુરના રહેવાસી મયૂર વિશ્ર્વાસ પાટીલ અને સિંધુદુર્ગની રહેવાસી મીનાક્ષી મધુકર મોહિતેની તલાશી લેવાતાં તેમની પાસેથી અંબરગ્રીસ મળી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને જણે ગેરકાયદે અંબરગ્રીસ મેળવી હતી અને બાદમાં તેને વેચવાનો તેમનો ઇરાદો હતો. 

થાણે નગર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો અને બંનેની ધરપકડ કરવામાં આવી હતી. બંનેએ અંબરગ્રીસ કઇ વ્યક્તિ પાસેથી મેળવી હતી અને તે થાણેમાં કોને વેચવાના હતા, જેની તપાસ ચાલી રહી છે. 

લક્ઝરી પરફ્યુમમાં અંબરગ્રીસનો ઉપયોગ થતો હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં મળતાં તેના ઊંચા ભાવને લીધે તેને ઘણીવાર ‘તરતું સોનું’ કહેવામાં આવે છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ તેનો કબજો, વેપાર, પરિવહન અને નિકાસ એ સજાપાત્ર ગુનો છે. (પીટીઆઇ)

વધુ જુઓ...