Mon Oct 12 2026

Logo

MPSC ઉમેદવારોના આંદોલન વચ્ચે મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: સુધારા સમિતિમાં તુકારામ મુંઢેની નિમણૂક...

2026-10-12 19:12:44
Author: Mumbai Samachar Team
MPSC ઉમેદવારોના આંદોલન વચ્ચે મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: સુધારા સમિતિમાં તુકારામ મુંઢેની નિમણૂક...

NH Digital


પુણે: પુણેમાં એમપીએસસી ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)માં તળિયાઝાટક ફેરફાર કરવા માટે એક સમિતિ બનાવી છે અને એફડીએ કમિશનર તુકારામ મુંઢેને સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રવિવારે લેવાયેલા નિર્ણયની જાણ રાજ્ય પ્રધાન શિવેન્દ્રરાજે ભોસલે દ્વારા કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનમાં સુધારા સહિતની વિવિધ માંગણીઓ પર છેલ્લા 10 દિવસથી વિરોધ ચાલી રહ્યો છે એ સ્થળે પ્રધાન ઉમેદવારોને મળ્યા હતા.

મુંઢે ઉપરાંત સમિતિમાં ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ દિલીપ ભોસલે અધ્યક્ષપદ સંભાળશે અને આઈપીએસ અધિકારી લક્ષ્મી ગૌતમ, ભૂતપૂર્વ આઈએએસ અધિકારી ગણેશ પાટીલ અને નિવૃત્ત ન્યાયમૂર્તિ પીડી નાઈક પણ સમિતિમાં હશે.

ભોસલેએ દેખાવકારોને એમ પણ જણાવ્યું હતું કે તેમની અન્ય માંગણીઓ પર પણ ધ્યાન આપવામાં આવશે. અન્ય માંગણીઓમાં આંદોલનના કેટલાક પ્રતિનિધિઓ સામેના કેસ પાછા ખેંચવા, ત્રણ વર્ષમાં 70 હજાર જગ્યાઓ પર ભરતી, જાન્યુઆરીમાં યોજાનારી ગ્રુપ સી પરીક્ષામાં બેઠકોની સંખ્યામાં વધારો અને એમપીએસસી ચેરમેન અને સચિવની નિમણૂક પહેલાં તેમની પૃષ્ઠભૂમિ તપાસનો સમાવેશ થાય છે. એમપીએસસી  ઉમેદવારો સાથે વિરોધ કરી રહેલા એનસીપી (એસપી)ના વિધાન સભ્ય રોહિત પવારએ સમિતિમાં મુંઢેના સમાવેશનું સ્વાગત કર્યું.   
(પીટીઆઈ)