મુંબઈ: કોલેજિયનને ચાકુની ધાકે ધમકાવ્યા બાદ લૂંટ ચલાવનારા ત્રણ આરોપીને જુહુ પોલીસે ઝડપી પાડી લોકઅપભેગા કરી દીધા હતા.કુર્લા વિસ્તારમાં આવેલી કોલેજમાં ભણતો ફરિયાદી શુક્રવારે રાતે પોતાના મિત્રો સાથે જુહુ બીચ પર ગયો હતો. ત્યાંથી મિત્રોને તેમના ઘરે છોડીને ફરિયાદી કારમાં પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેની કારને રોકી હતી.
આરોપીઓએ પોતાની ઓળખ યુનિયનના કર્મચારી તરીકે આપી હતી અને તેઓ ફરિયાદીની કારમાં બેઠા હતા અને તેને જુહુ તરફ કાર હંકારવાનું કહ્યું હતું. આરોપીઓના અન્ય બે સાથીદાર બાઇક પર કારનો પીછો કરી રહ્યા હતા.
દરમિયાન આરોપીઓએ ફરિયાદીને ચાકુની ધાક દાખવી ધમકાવ્યો હતો અને મોબાઇલ દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરવા ફરજ પાડી હતી. આરોપીઓએ વધુ રૂપિયાની માગણી કરી હતી, પણ ફરિયાદી પાસે વધુ રૂપિયા નહોતા. આથી આરોપીઓએ તેના પાકીટમાંથી 5,200 રૂપિયા લઇ લીધા હતા અને બાદમાં તેઓ ફરાર થઇ ગયા હતા. ફરિયાદીએ ઘટનાની જાણ તેના મિત્રોને કરી હતી અને ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રતીકાત્મક તસવીર