સાંકડા રસ્તા પરથી પસાર થવાને મુદ્દે વિવાદ પછી પથ્થરમારો અને બામ્બુથી હુમલો: 10થી વધુ જખમી
મુંબઈ: નાલાસોપારામાં નવરાત્રિની ઉજવણી વખતે માતાજીના મંડપ નજીક જ બે જૂથ વચ્ચે ભારે અથડામણ થતાં સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. સાંકડા રસ્તા પરથી પસાર થવાને મામલે થયેલા વિવાદ પછી બન્ને જૂથના લોકોએ સામસામો પથ્થરમારો કરી બામ્બુથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં 10થી વધુ લોકો જખમી થતાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
મળતી માહિતી અનુસાર ઘટના રવિવારની રાતે નાલાસોપારા પૂર્વના આચોલે પરિસરમાં બની હતી.
આચોલે મિત્ર મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે, જેને પગલે માર્ગ પર મંડપ બાંધવામાં આવ્યો છે. મંડપ નજીકના માર્ગ પરથી પસાર થવાને મુદ્દે બાઈકસવાર સાથે થયેલી બોલાચાલી હિંચક બની હતી. બાઈકસવારની ઓળખ કૃષ્ણ તરીકે થઈ હતી.કહેવાય છે કે સાંકડા માર્ગ પર ટેમ્પો ઊભો હતો. ત્યાંથી પસાર થનારા બાઈકસવારનો ટેમ્પોના ડ્રાઈવર સાથે ઝઘડો થયો હતો. બન્નેના ઝગડામાં મધ્યસ્થી કરનારા મંડળના કાર્યકરોએ બાઈકસવારની કથિત મારપીટ સુધ્ધાં કરી હતી. પછી બાઈકસવારને ત્યાંથી ભગાડી મૂકવામાં આવ્યો હતો.
જોકે ગણતરીની મિનિટોમાં જ બાઈકસવાર તેના મિત્રો સાથે મંડપ નજીક પહોંચ્યો હતો. બે જૂથ સામસામે આવી જતાં પથ્થરમારો થતો. આ પથ્થરમારામાં દેવીની પ્રતિમાના સ્ટેજ સુધી પથ્થર ગયો હોવાનું કાર્યકરોએ કહ્યું હતું. બન્ને જૂથ વચ્ચે બામ્બુથી મારામારી પણ થઈ હતી.આ હુમલામાં જખમી થયેલા 10થી વધુ લોકોને વસઈ-વિરાર મહાનગરપાલિકા સંચાલિત તુલિંજ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
દરમિયાન બનાવની જાણ થતાં તુલિંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પૂછપરછ માટે અમુક લોકોને તાબામાં લેવાયા હતા. આ મામલે તુલિંજ પોલીસે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ મંડળના કાર્યકરોએ મારપીટ કરતાં બાઈકસવાર તેના 10થી 15 મિત્રોને બોલાવી લાવ્યો હતો. આ અથડામણમાં મહિલાઓ પણ જખમી થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઘટનાને પગલે નાલાસોપારામાં તંગદિલીભર્યું વાતાવરણ બની ગયું હતું. પોલીસે સતર્કતા ખાતર કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દીધી હતી. હુમલામાં સંડોવાયેલાઓને ઓળખી કાઢવા પોલીસ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પણ તપાસી રહી છે.