Mon Oct 12 2026

Logo

પાણીના નિર્માણ થનારા સંકટને પગલે બીએમસીની પાણી બચાવવા મુંબઈગરાને અપીલ...

2026-10-12 22:42:11
Author: Sapna Desai
પાણીના નિર્માણ થનારા સંકટને પગલે બીએમસીની પાણી બચાવવા મુંબઈગરાને અપીલ...

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં આગામી સમયમાં પાણીનું ગંભીર સંકટ નિર્માણ થવાની શકયતાને પગલે મુંબઈ મહાનગરપાલિકાએ હવે પાણીના વેડફાટને રોકવા માટે મુંબઈગરાની પણ મદદ લેવાનું નક્કી કર્યું છે. ‘અલ નિનો’ની અસર હેઠળ  અને ઈંડિયન ઓશન ડાયપોલ-આઈઓડીના પ્રભાવને પગલે ૨૦૨૬માં થયેલા ઓછા વરસાદને પગલે મુંબઈને પાણીપુરવઠા કરનારાં જળાશયોને થયેલી અસર અને આગામી સમયમાં તાપમાનમાં થનારા વધારાને પગલે જળાશયોમાં પાણીના થનારા બાષ્પીભવનને ધ્યાનમાં રાખીને પાલિકાએ પાણીનો વેડફાટ  રોકવા અપીલ કરવાની સાથે જ કરકસર કરીને પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સલાહ પણ આપી છે. 

મહારાષ્ટ્ર સરકારના જળ સંસાધન વિભાગના નિર્દેશોને અનુસરીને ભવિષ્યની પીવાના પાણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, ૩૧ ઓગસ્ટ, ૨૦૨૭ સુધીના સમયગાળા માટે પાણીની ઉપલબ્ધતા અને પુરવઠાનું આયોજન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, તેને  ધ્યાનમાં રાખીને પાલિકાએ પાણી બચાવવા  નાગરિકો માટે પણ વધારાની સૂચના બહાર પાડી છે.મુંબઈ શહેર અને ઉપનગરની દરરોજ પાણીની ડિમાન્ડ ૪,૬૬૪ મિલ્યન લિટર જેટલી છે, તેની સામે પાણીપુરવઠો માત્ર ૪,૧૦૦ મિલ્યન લિટર જેટલો થાય છે.


મોટાભાગનું પાણી ગળતર, ચોરી અને બાષ્પીભવનથી વેડફાઈ જાય છે ત્યારે આગામી સમયમાં પાણીના નિર્માણ થનારા ગંભીર સંકટને ધ્યાનમાં રાખીને પાલિકાએ રાજ્ય સરકારના જળ સંસાધન વિભાગના નિર્દેશ મુજબ ૧૫ મે, ૨૦૨૬થી મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ લાગુ કર્યો હતો, તે આગામી વર્ષ સુધી ચાલુ જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કમર્શિયલ સ્તરે ૨૦ ટકા પાણીકાપને પણ ચાલુ જ રાખવામાં આવવાનો છે. 

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ફકત પાલિકાના સ્તરે પાણીકાપ રાખીને પાણીની બચત કરવી શકય નથી. જળાશયોમાં  રહેલું પાણી ૩૧ ઑગસ્ટ, ૨૦૨૭ સુધી ચાલે તે પ્રમાણેનું આયોજન કરવાનું છે. તેથી નાગરિકોની સાથે ઔદ્યોગિક અને કમર્શિયલ સ્તરે અને વિવિધ સંસ્થાએ પીવાના પાણીનો વેડફાટ થતો રોકવો આવશ્યક છે. નાગરિકોને  તેમના ઘરના નળ ખુલ્લા રાખીને પાણીનો વેડફાટ રોકવા અને ઘરના નળમાં ગળતર હોય તેનું તાત્કાલિક સમારકામ કરાવાની અને વાહનો અને પરિસરને સ્વચ્છ રાખવા માટે પીવાના પાણીનો ઉપયોગ ટાળીને પર્યાયી સ્રોત વાપરવા કહ્યું છે, જેમાં કૂવા, બોરવેલનો ઉપયોગ કરવા પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. ક્ધસ્ટ્રકશન સાઈટ પર પીવા સિવાય અન્ય કામ માટે સ્યુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી લીધેલું પાણી અથ્ાવા બોરવેલનો ઉપયોગ 

કરવાનો રહેશે. વાહનો ધોવા, ઉદ્યાનમાં ઝાડને પાણી આપવા અને રસ્તા થતા પરિસર સ્વચ્છ કરવા માટે પણ કૂવા અને બોરવેલનો ઉપયોગ કરવાનો રહેશે. સાર્વજનિક સ્વચ્છતાગૃહ અને શૌચાલયોમાં પણ પર્યાયી પાણીનો ઉપયોગ કરવાનો રહેશે.પાલિકાના હાઈડ્રોલિક ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા મુજબ પાણીના ગળતરને રોકવા માટે તેમના વિભાગ મારફત પાણીના ગળતરને રોકવા માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. તેમ જ પાણીના ગળતરને રોકવા માટે ગળતરના પ્રકરણ પર પ્રાધાન્યતાના ધોરણે ધ્યાન આપવામાં આવશે. પીવાના પાણીનો ગેરઉપયોગ થતો જણાઈ આવ્યો તો સંબંધિતો સામે આકરી કાર્યવાહી કરવાની ચીમકી પણ પ્રશાસન દ્વારા આપવામાં આવી છે.