Tue Oct 13 2026

Logo

અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી શકે, વિદેશ પ્રવાસ પર લાગી શકે છે બ્રેક

2026-10-13 14:35:00
Author: Mumbai Samachar Team
અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી શકે, વિદેશ પ્રવાસ પર લાગી શકે છે બ્રેક

મુંબઈ: બોલીવુડના અભિનેતા ઇમરાન ખાન ફરી ચર્ચામાં આવ્યો છે. મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ અભિનેતાની મુશ્કેલીઓ વધી શકે છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ ઇમરાન ખાન સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે. સોમૈયાએ અભિનેતાની નાગરિકતા અને ભારતમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાની કાયદેસરતા અંગે સવાલો ઉઠાવ્યા છે. આ વિવાદને કારણે ઇમરાન ખાનના ભારતમાં રહેવા અને તેની સામે સંભવિત કાર્યવાહી અંગે ચર્ચા શરૂ થઈ છે.

10 ઑક્ટોબર, 2026ના મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ અને મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (એસઆઇઆર) અંગેની ચિંતાઓને લઈને યોજાયું હતું. આ દરમિયાન ઇમરાન ખાન પ્રદર્શનમાં પહોંચ્યો હતો. 

કિરીટ સોમૈયાએ ઇમરાન ખાન અમેરિકાના નાગરિક હોવાનો દાવો કરતાં તેની સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે મુંબઈ પોલીસનો સંપર્ક કરીને અભિનેતાની નાગરિકતા ચકાસવા અને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે જરૂરી મંજૂરી હતી કે નહીં તેની તપાસ કરવાની અપીલ કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ અભિનેતાને ભારતમાંથી હાંકી કાઢવાની માગ કરી હતી. આ ઉપરાંત, તેમણે મુંબઈ એરપોર્ટ ખાતે ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (એફઆરઆરઓ)ના ઇમિગ્રેશન વિભાગમાં ફરિયાદ નોંધાવી હોવાનો દાવો કર્યો હતો.

આ મામલે ગાવદેવી પોલીસે સોમૈયાની અરજી સંબંધિત અધિકારી સમક્ષ મોકલી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઇમરાન ખાન વિદેશી નાગરિક છે અને તેના ઓસીઆઈ કાર્ડ તથા સંબંધિત નિયમો અંગે નિર્ણય લેવાની સત્તા સક્ષમ અધિકારી પાસે છે. તેથી તેની સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં, તે તપાસ અને લાગુ પડતા કાયદાકીય નિયમો પર નિર્ભર રહેશે.

બીજી તરફ, ઇમરાન ખાને પ્રદર્શન દરમિયાન મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તે કોઈ રાજકીય સંગઠનના પ્રતિનિધિ તરીકે નહીં, પરંતુ મુંબઈના રહેવાસી અને નાગરિક તરીકે વિરોધ કર્યો હતો. તેણે કહ્યું હતું કે તેની કોઈ ખાસ માગ નથી અને તે શહેરમાં રહેતા એક નાગરિક તરીકે આવ્યો છે. સાથે જ તેણે લોકોની અવરજવરની સ્વતંત્રતા અને તેના અવાજને દબાવવાના પ્રયાસો અંગે સવાલો ઉઠાવ્યા હતા.

આ સમગ્ર વિવાદમાં હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ઇમરાન ખાનને વિદેશ પ્રવાસ કરવામાં મુશ્કેલી પડી શકે છે? જોકે, હાલ ઉપલબ્ધ અહેવાલોમાં તેની સામે વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની પુષ્ટિ નથી. કિરીટ સોમૈયાએ કાર્યવાહી અને દેશનિકાલની માગ કરી છે, પરંતુ માત્ર ફરિયાદ નોંધાવાથી આપમેળે પ્રવાસ પ્રતિબંધ લાગુ થતો નથી. અભિનેતા ઇમરાન ખાન સામે આગામી શું પગલાં લેવાશે, તે સંબંધિત સત્તાવાળાઓની તપાસ અને કાયદાકીય નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે.

આ વિવાદે ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા કાર્ડધારકોના અધિકારો અને મર્યાદાઓ અંગે પણ ચર્ચા જગાવી છે. ઓસીઆઈ કાર્ડધારકો વિદેશી નાગરિક હોય છે, જેમને ભારત સાથેના સંબંધોને ધ્યાનમાં રાખીને ચોક્કસ સુવિધાઓ આપવામાં આવે છે. જોકે, તેમને ભારતીય નાગરિકો જેવા તમામ રાજકીય અધિકારો મળતા નથી. તેમ છતાં, વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ કોઈ વ્યક્તિ સામે દેશનિકાલ જેવી કાર્યવાહી કરી શકાય કે નહીં, તે લાગુ કાયદા અને ચોક્કસ પરિસ્થિતિઓના આધારે નક્કી થવાનું છે.