Tue Oct 13 2026

Logo

શેરબજારમાં 'તેજીની રમઝટ': સેન્સેક્સમાં ૧,૧૦૯ પોઈન્ટનો 'સ્પ્રિંગ' જેવો ઉછાળો

2026-10-13 20:15:40
Author: Nilesh Waghela
શેરબજારમાં 'તેજીની રમઝટ': સેન્સેક્સમાં ૧,૧૦૯ પોઈન્ટનો 'સ્પ્રિંગ' જેવો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
આઇટી, નાણાકીય અને એફએમસીજી ક્ષેત્રના શેરમાં તેજી, રૂપિયામાં મજબૂતી અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની એલટીસીજી ટેક્સ અંગેની ટિપ્પણીને કારણે આજે મુખ્ય બેન્ચમાર્ક સેન્સેક્સ ૧,૧૦૯ પોઈન્ટ ઉછળ્યો હતો અને નિફ્ટી ૨૨,૭૨૦ની સપાટી પાર કરીને બંધ રહ્યો હતો.

સેન્સેક્સ ૧,૧૦૯.૧૦ પોઈન્ટ અથવા ૧.૫૪ ટકાના ઉછાળા સાથે  ૭૩,૦૩૩.૭૮ પર બંધ થયો હતો, જે પાછલા ચાર મહિનામાં તેનો શ્રેષ્ઠ એક-દિવસીય ઉછાળો હતો. નિફ્ટી ૩૫૮.૬૦ પોઈન્ટ અથવા ૧.૬૦ ટકા વધીને ૨૨,૭૨૧.૯૫ પર બંધ થયો હતો.
આજે બીએસઇનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ .૪૭૦.૦૩ લાખ કરોડ નોંધાયું હતું, જે અગાઉના કામકાજના દિવસે સોમવારે રૂ. ૪૬૫.૪૫ લાખ કરોડના સ્તરે હતું. આમ માર્કેટ કેપમાં રૂ. ૪.૫૮ લાખ કરોડનો ચોખ્ખો વધારો નોંધાયો હતો.

ગ્લોબલ ઓઈલ બેન્ચમાર્ક ગણાતા બ્રેન્ટ ક્રૂડના ભાવ ૧.૬૬ ટકા ઘટીને ૧૦૪.૬ યુએસ ડોલર પ્રતિ બેરલ બોલાઇ રહ્યા હતા. મંગળવારે રૂપિયો પણ લગભગ ૪૧ પૈસા વધીને ૯૫.૩૭ની સપાટી પર પહોંચ્યો હતો. 
ડેરિવેટિવ્ઝ માર્કેટમાં સટ્ટાકીય વેપારને નિયંત્રિત કરવા માટે આરબીઆઇ દ્વારા પગલાંની જાહેરાત બાદ રૂપિયામાં સતત ત્રીજા સત્રમાં વધારો જોવા મળ્યો છે. ત્રણ દિવસમાં રૂપિયામાં ૧.૫ ટકાથી વધુનો વધારો થયો છે, જેનાથી કેપિટલ આઉટફ્લો અંગેની ચિંતાઓ હળવી થઈ છે.

બજારે દોઢ ટકાથી વધુ ઉછાળા સાથે હાલના કોન્સોલિડેશનના તબક્કા વચ્ચે સુધારાની ગતિ જાળવી રાખી હતી. સેક્ટરલ ધોરણે, એચસીએલ ટેક્નોલોજીસના મજબૂત ત્રિમાસિક પરિણામો અને ટીસીએસમાં સતત મજબૂતીને કારણે આઇટી સેક્ટરે તેજીની આગેવાની લીધી હતી. રિયલ્ટી અને એફએમસીજી શેરોએ પણ આ સુધારામાં યોગદાન આપ્યું હતું, જ્યારે ફાર્મા અને એનર્જી સેક્ટરનું પ્રદર્શન મિશ્ર રહ્યું હતું.

બજારના સાધનોએ જણાવ્યું હતું કે, ટેક્નોલોજી શેરોમાં સારા નાણાકીય પરિણામને પગલે વધેલી લેવાલી, યુએસ ટ્રેઝરી યિલ્ડમાં ઘટાડો અને સ્થાનિક બજારના સુધરતા સેન્ટિમેન્ટને કારણે ક્રૂડના ઊંચા ભાવની ચિંતાઓ ગૌણ બની ગઈ હતી, પરિણામે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.

બ્રેન્ટ ક્રૂડના ભાવ ઊંચા સ્તરે હોવા છતાં, અમેરિકાના દસ વર્ષીય ટ્રેઝરી બોન્ડની યિલ્ડમાં ઘટાડો થવાથી ઇક્વિટી મૂલ્યાંકન પરનું તાત્કાલિક દબાણ કંઈક અંશે હળવું થયું હોવાનું સાધનોએ જણાવ્યું હતું.