Tue Oct 13 2026

Logo

આખા સાઉદીમાં રેડ એલર્ટ, બંકરમાં પ્રિન્સ, હૂતિયોનો જોરદાર એટેક... જંગના 5 મોટા અપડેટ

Riyadh   2026-10-13 08:24:00
Author: Mumbai Samachar Team
આખા સાઉદીમાં રેડ એલર્ટ, બંકરમાં પ્રિન્સ, હૂતિયોનો જોરદાર એટેક... જંગના 5 મોટા અપડેટ

હૂતી વિદ્રોહીઓના વધતા હુમલાઓ વચ્ચે સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારે સુરક્ષાવાળા બંકરયુક્ત મહેલો વચ્ચે સતત સ્થળાંતર કરી રહ્યા છે, એટલે કે તેમનું લોકેશન સતત બદલવામાં આવી રહ્યું છે. સાઉદીએ મિસાઈલ અને ડ્રોન સંબંધિત માહિતી શેર કરવા પર કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

રિપોર્ટ્સ મુજબ, 41 વર્ષીય ક્રાઉન પ્રિન્સ છેલ્લા લગભગ એક અઠવાડિયાથી જાહેરમાં નથી દેખાયા. દરમિયાન તેઓ બંકરોની સુવિધાવાળા અને કડક સુરક્ષાથી સજ્જ મહેલોમાં છે. 'વોલ સ્ટ્રીટ જર્નલ' દ્વારા તેમની ગતિવિધિઓથી પરિચિત અધિકારીઓના હવાલેથી જણાવવામાં આવ્યું છે કે સાઉદી અરેબિયા અને યમનના હૂતી વિદ્રોહીઓ વચ્ચે વધતા સંઘર્ષ અને સુરક્ષા જોખમોને જોતાં આ પગલું ભરવામાં આવ્યું છે. ક્રાઉન પ્રિન્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશેષ રૂપે પસંદ કરાયેલી એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

આ દરમિયાન સાઉદી અરેબિયાએ છ ભાષાઓમાં એક સંદેશ જારી કર્યો છે. સાઉદીએ સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ મિસાઈલ અને ડ્રોનને રોકવાની તથા તેના પડવાની જગ્યાઓ સાથે જોડાયેલી માહિતીનું શૂટિંગ કરશે અથવા તેને શેર કરશે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જે તે વ્યક્તિનીિ ધરપકડ પણ થઈ શકે છે.

સાઉદી અરેબિયાએ મે મહિનામાં 'નેશનલ અર્લી વોર્નિંગ સિસ્ટમ' દ્વારા મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર જોખમ સાથે જોડાયેલા એલર્ટ મોકલવાનું શરૂ કર્યું હતું. જોકે, છેલ્લા અઠવાડિયે હૂતી વિદ્રોહીઓના હુમલાઓ વધવા થવા છતાં આ સિસ્ટમે કોઈ એલર્ટ જારી નથી કર્યું.

દરમિયાન, 'સિવિલ ડિફેન્સ ઓથોરિટી' ખરાબ હવામાન, વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિઓમાં લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપતી રહી છે. સોમવારે પણ આ સંબંધમાં એક એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.

ઓથોરિટીએ લોકોને મિસાઈલ અટકાવવાની (ઇન્ટરસેપ્શન) અને હુમલાવાળી જગ્યાઓ સાથે જોડાયેલી તસવીરો, અફવાઓ કે માહિતી શેર ન કરવાની પણ તાકીદ કરી છે.