Tue Oct 13 2026

Logo

મહારાષ્ટ્રમાં હાઇવે પર ‘ઍર ઍમ્બ્યુલન્સ’ સેવા કરાશે:  ‘ગોલ્ડન અવર’ દરમ્યાન અકસ્માતનો ભોગ બનેલાને તાત્કાલિક સારવાર મળશે...

2026-10-13 18:51:41
Author: Sapna Desai
મહારાષ્ટ્રમાં હાઇવે પર ‘ઍર ઍમ્બ્યુલન્સ’ સેવા કરાશે:  ‘ગોલ્ડન અવર’ દરમ્યાન અકસ્માતનો ભોગ બનેલાને તાત્કાલિક સારવાર મળશે...

સમૃદ્ધિ, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે અને મુંબઈ-ગોવા હાઇવે પર ખાસ સિસ્ટમ્સ ઊભી કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રોડ ઍક્સિડન્ટ ખાસ કરીને હાઈવે પર થતા ગંભીર ઍક્સિડન્ટ વખતે જખમીઓને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે અને તેમનો જીવ બચાવી શકાય તે માટે રાજ્યમાં બહુ જલદી ‘ઍર ઍમ્બ્યુલન્સ’ ’ સેવા શરૂ કરવાની યોજના હોવાનું રાજ્યના પરિવહન પ્રધાને જણાવ્યું હતું.ઍક્સિડન્ટ પછીનો પહેલો કલાક ‘ગોલ્ડન અવર’ ગણાય છે, જેમાં જખમીઓને તાત્કાલિક સારવાર મળે તો ગંભીર રીતે જખમી થયેલા લોકોના જીવ પણ બચાવી શકાય છે. રાજ્યમાં હાઈવે પર ઍક્સિડન્ટ થવાના પ્રમાણ વધુ હોય ‘એર એમ્બ્યુલન્સ’ ઉપયોગી સાબિત થશે.

પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકે જણાવ્યું હતું કે ઍક્સિડન્ટ બાદના ગોલ્ડન અવરમાં જમખીઓને તાત્કાલિક ટ્રોમા કેર સેન્ટરમાં લઈ જવા માટે એર એમ્બ્યુલન્સ સેવા ઉપયોગી  સાબિત થઈ શકે છે. રાજ્યમાં દર વર્ષે લગભગ ૧૫ હજાર માર્ગ ઍક્સિડન્ટ  થાય છે તે જાણીતું છે. આમાંના ઘણા ઍક્સિડન્ટમાં જખમીઓને  સમયસર સારવાર મળવી એ એક મોટો પડકાર બની રહ્યો છે. ખાસ કરીને હાઇવે પર થતા ગંભીર ઍક્સિડન્ટ, ટ્રાફિક જૅમ, હોસ્પિટલોનું અંતર અને કટોકટી તબીબી સુવિધાઓની ઉપલબ્ધતાને ધ્યાનમાં લેતા ઍક્સિડન્ટનો ભોગ બનેલા જખમીને તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે વધુ કાર્યક્ષમ સિસ્ટમ સ્થાપિત કરવાની જરૂર હોવાનું પરિવહન પ્રધાને કહ્યું હતું.

એસઓપી તૈયાર કરાશે
આ સંદર્ભમાં સંબંધિત ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓ સાથે  એક બેઠક આયોજિત કરી હતી. પરિવહન પ્રધાનના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ માટે ૧૫ નવેમ્બર સુધીમાં એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) તૈયાર કરીને તેને મંજૂરી આપવાની યોજના છે. ત્યારબાદ નવેમ્બરના અંત સુધીમાં હાઇપાવર કમિટીની મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. આ પ્રક્રિયા પછી નવા વર્ષની શરૂઆતમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાનું આયોજન છે.

સમૃદ્ધિ, મુંબઈ-પુણે અને મુંબઈ-ગોવા હાઈવેને પ્રાધાન્ય
રાજ્યમાં સૌથી વધુ વપરાતા હાઈવે અને ઍક્સિડન્ટનું પ્રમાણ જોતા ઍર ઍમ્બ્યુલન્સ માટે પ્રાથમિકતા સમૃદ્ધિ હાઈવે, મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને મુંબઈ-ગોવા હાઈવેને આપવામાં આવશે. આ મહત્ત્વના હાઈવે પર અકસ્માતનો ભોગ બનેલા લોકોને ઝડપી તબીબી સહાય મળે તે સુનિશ્ર્ચિત કરવા માટે એક ખાસ મિકેનિઝમ સ્થાપવાનું આયોજન છે. આ મિકેનિઝમ હેઠળ ઍર ઍમ્બ્યુલન્સ સેવાની ઉપલબ્ધતા, જખમીઓને  ટ્રોમા કેર સેન્ટરમાં સુરક્ષિત રીતે લઈ જવા માટેની પ્રક્રિયાઓ અને વિવિધ ઈમર્જન્સી ઓથોરિટી  વચ્ચે સંકલન પર વિશેષ ભાર મૂકવામાં આવશે. 

જુદા જુદા ડિપાર્ટમેન્ટ વચ્ચે સંકલનની આવશ્યકતા
‘ઍર ઍમ્બ્યુલન્સ’ સેવા સાથે અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે પરિવહન વિભાગ, આરોગ્ય વિભાગ અને પોલીસ વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે એક  સંચાલન પ્રક્રિયા ઘડવામાં આવશે. આ માટે ટ્રોમા કેર સેન્ટરોનું નેટવર્ક નક્કી કરવા, સેવા પ્રદાતાઓનું પેનલ બનાવવા, રોડ સેફટી ફંડમાંથી જરૂરી નાણાકીય જોગવાઈ કરવા અને કટોકટી પ્રતિભાવ માટે માનક સંચાલન પ્રક્રિયા વિકસાવવા જેવા પગલાં પર ભાર મૂકવામાં આવશે.