Tue Oct 13 2026

Logo

પચીસ દિવસના બાળકનું અપહરણ કરવાના કેસમાં પાંચની ધરપકડ

2026-10-13 17:18:31
Author: Yogesh C. Patel
પચીસ દિવસના બાળકનું અપહરણ કરવાના કેસમાં પાંચની ધરપકડ

થાણે: વેચી દેવાને ઇરાદે અંબરનાથમાંથી પચીસ દિવસના બાળકનું કથિત અપહરણ કરવાના કેસમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરી અપહરણના ચાર કલાકમાં જ બાળકને સહીસલામત છોડાવવામાં સફળતા મેળવી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ પાર્વતી નાગરાજ (38), સોની ગણેશ (19), શક્તિવેલ પરમેશ્ર્વમ (37), નીશા શક્તિવેલ (30) અને રુકસાર ફારુક શેખ (32) તરીકે થઈ હતી. આરોપી પાર્વતી નાગરાજ બોલી શકતી નથી અને એણે જ બાળકનું અપહરણ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

અંબરનાથ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર શબ્બીર સૈયદે જણાવ્યું હતું કે 10 ઑક્ટોબરની સાંજે સાત વાગ્યાની આસપાસ પચીસ દિવસના બાળકને બોલી ન શકતી મહિલાએ કચરો વીણનારી મહિલાના હાથમાંથી જબરજસ્તી ઝૂંટવી લીધું હતું. પછી એ બાળકને મહિલાએ તેના સાથીને વેચવાને ઇરાદે આપ્યું હતું.

તપાસ દરમિયાન પોલીસે આરોપી સોની ગણેશને પકડી પાડ્યો હતો. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે બાળક મુંબઈના ધારાવી વિસ્તારમાં રહેતી રુકસારને સોંપ્યું હતું.

ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી તેમ જ ફોન ટ્રેસ કરીને પોલીસની ટીમ ધારાવી પહોંચી હતી. એક રૂમમાંથી રુકસારને તાબામાં લઈ બાળકને છોડાવાયો હતો. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં પોલીસે તેમના સાથીઓની પણ ધરપકડ કરી હતી. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)