Tue Oct 13 2026

Logo

પ્રસ્તાવિત નવી સ્ટીલ નીતિમાં હલકી ગુણવત્તાવાળા સ્ટીલની આયાતની વહેલી તકે તપાસ માટે એઆઈ માળખાનો સમાવેશ

2026-10-13 20:59:36
Author: Ramesh Gohil
પ્રસ્તાવિત નવી સ્ટીલ નીતિમાં હલકી ગુણવત્તાવાળા સ્ટીલની આયાતની વહેલી તકે તપાસ માટે એઆઈ માળખાનો સમાવેશ

નવી દિલ્હીઃ પ્રસ્તાવિત નવી સ્ટીલ નીતિના મુસદ્દામાં હલકી ગુણવત્તાવાળા સ્ટીલની આયાતની વહેલી તકે તપાસ થઈ શકે તે માટે અને સ્થાનિક સ્ટીલ ઉદ્યોગની સ્પર્ધાત્મકાતા વધારવા માટે એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સંચાલિત માળખા અને અદ્યતન ડેટા એનાલિટિક્સ લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

રાષ્ટ્રીય સ્ટીલ નીતિ વિઝન 2047નાં મુસદ્દામાં ગુણવત્તાની બાંયધરી, વાજબી વેપાર અને સ્થાનિક ક્ષમતાને કેન્દ્રમાં રાખીને નિવારી શકાય તેવી આયાત નિર્ભરતા ઘટાડવી, ભારતની સ્ટીલ ઈકો સિસ્ટમને મજબૂત બનાવવા અને સ્ટીલ ઉદ્યોગ તથા ડાઉનસ્ટ્રીમ ઉત્પાદન ક્ષેત્રો બન્નેની સ્પર્ધાત્મકતા, સ્થિતિસ્થાપકતા અને લાંબાગાળાના વિકાસને વધારવા માટે ત્રિપક્ષીય વ્યૂહરચના પર ભાર મૂકવામાં આવ્યો છે અને પ્રસ્તાવિત નીતિ વર્ષ 2047 સુધી ભારતીય સ્ટીલ ઉદ્યોગ માટે માર્ગદર્શક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

એકંદરે સ્ટીલ નીતિ 2017ને સ્ટીલ ક્ષેત્રના વર્તમાન પડકારો અને આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીની પુનર્વિચાર કરવાની જરૂર હોવાથી તેમ જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ટેક્નોલૉજીનાં અપગે્રડેશન જેવી ઊભરતી પ્રાથમિકતાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોવાથી નવી સ્ટીલ નીતિ ઘડવી પડી હતી. વધુમાં દેશની સ્ટીલ ઉત્પાદન ક્ષમતાને 60.4 કરોડ ટન સુધી વધારવા માટે કાચા માલની સલામતી, ટેક્નોલૉજી અપગે્રડ, નવી નીતિમાં સ્થાનિક ઉત્પાદકોને ટેકો આપવા માટે હલકી ગુણવત્તાની આયાતને રોકવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

મુસદ્દા અનુસાર ઓછા પ્રમાણભૂત અથવા અનુરૂપ ન હોય તેવા સ્ટીલની આયાત, આયાતમાં અચાનક વધારો અને વેપાર પગલાંઓની સંભવિત છેતરપિંડી જેવાં સ્થાનિક ઉત્પાદકો સામે નોંધપાત્ર પડકારો ઊભા કરે છે. આ ચિંતાઓ માટે અસામાન્ય ગણાતા આયાત વલણોની વહેલી તપાસ માટે અદ્યતન વિશ્લેષણ દ્વારા સમર્થિત પરીક્ષણ, પ્રમાણપત્ર, ટ્રેસેબિલિટી અને રિઅલ ટાઈમ ધોરણે આયાત દેખરેખ પર આધારિત મજબૂત આયાત ગવર્નન્સનું માળખું જરૂરી છે, એમ હિસ્સેધારકોનાં સલાહ સૂચન અને ટિપ્પણી માટે જાહેર કરવામાં આવેલા મુસદ્દામાં જણાવાયું છે. 

હલકી ગુણવત્તાવાળા સ્ટીલની આયાતને હતોત્સાહિત કરવા માટેનાં પગલાં લેવાનું ચાલુ રહેશે, જેમાં આયાત દેખરેખ અને અન્ય ઉપચારાત્મક પગલાંનો સમાવેશ થાય છે. તેમ જ સારી ગુણવત્તાવાળા સ્ટીલની નિકાસને પ્રોત્સાહન પણ આપવામાં આવશે. વધુમાં મુસદ્દામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ભારતની 60 ટકાથી વધુ સ્ટીલ આયાત એવા દેશોથી થાય છે, જેના ભારત સાથે મુક્ત વેપાર કરાર થયા છે. 

નોંધનીય બાબત એ છે કે વૈશ્વિક સ્ટીલ ક્ષેત્રમાં ઘણા દેશો રક્ષણવાદની નીતિ અપનાવી રહ્યા છે અને સસ્તી આયાત સામે સ્થાનિક ઉદ્યોગના હિતની રક્ષા કરવા માટે પગલાં લઈ રહ્યા છે. આ ઉપરાંત ભૂરાજકીય તણાવને કારણે વિક્ષેપિત થતાં પુરવઠાને ધ્યાનમાં રાખીને પણ પગલાં લેવામાં આવી રહ્યાં છે. 

પ્રાપ્ત અધિકૃત આંકડાકીય માહિતી મુજબ ભારત સ્ટીલનો અગ્રણી ઉત્પાદક દેશ છે અને વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી ઑગસ્ટ દરમિયાન રૂ. 36,193.9 કરોડની સ્ટીલની આયાત સાથે ચોખ્ખો આયાતકાર દેશ રહ્યો છે.