Tue Oct 13 2026

Logo

‘ધ ડર્ટી પિક્ચર’ની સિક્વલમાં કોને મળશે લીડ રોલ તમન્ના ભાટિયા કે તૃપ્તિ ડિમરી?

2026-10-13 21:16:22
Author: Mumbai Samachar Team
‘ધ ડર્ટી પિક્ચર’ની સિક્વલમાં કોને મળશે લીડ રોલ તમન્ના ભાટિયા કે તૃપ્તિ ડિમરી?

મુંબઈ: બોલીવુડની સુપરહિટ ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’ના ચાહકો માટે મોટા સમાચાર મળ્યા છે. વર્ષ 2011માં રિલીઝ થયેલી આ ફિલ્મની સિક્વલ ‘ધ ડર્ટી પિક્ચર 2’ બનાવવાની નિર્માત્રી એકતા કપૂરે પુષ્ટિ કરી છે. ફિલ્મના લગભગ 15 વર્ષ બાદ આ ફ્રેન્ચાઇઝી ફરી દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર થઈ રહી છે. એકતા કપૂરના જણાવ્યા અનુસાર તેની પાસે હવે એક એવી દમદાર સ્ટોરી છે જેને તે મોટા પડદા પર રજૂ કરવા માગે છે. આ જાહેરાત બાદ ફિલ્મની નવી અભિનેત્રી કોણ હશે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે.

ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે હાલમાં તમન્ના ભાટિયા અને તૃપ્તિ ડિમરીનાં નામ ચર્ચામાં છે. તાજેતરના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘ધ ડર્ટી પિક્ચર 2’ માટે તમન્ના ભાટિયાના નામ પર વિચારણા થઈ રહી છે. બીજી તરફ, તૃપ્તિ ડિમરીનું નામ પણ ફિલ્મની લીડ એક્ટ્રેસ તરીકે નામ ચર્ચામાં છે. જોકે, અત્યાર સુધી બંનેમાંથી કોઈ અભિનેત્રીની પસંદગી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તેથી ફિલ્મમાં કોને મુખ્ય ભૂમિકા મળશે તે અંગે હાલ કંઈ પણ નિશ્ચિત કહી શકાય તેમ નથી.

એકતા કપૂરે તાજેતરમાં યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા સાથેની વાતચીત દરમિયાન ‘ધ ડર્ટી પિકચર 2’ અંગે ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે તે લગભગ 15 વર્ષ બાદ આ ફ્રેન્ચાઇઝીને આગળ વધારવાનું આયોજન કરી રહી છે. એકતા પાસે હવે એવી વાર્તા છે, જેને તે દર્શકો સમક્ષ રજૂ કરવા માગે છે. તેના મતે, ફિલ્મની વાર્તા એક વ્યક્તિની આસપાસ કેન્દ્રિત રહેશે. જોકે, આ નવી વાર્તામાં કયા પાત્રો હશે અને તેની રજૂઆત કેવી રીતે કરવામાં આવશે તે અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.

વર્ષ 2011માં આવેલી મૂળ ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’ દક્ષિણ ભારતીય અભિનેત્રી સિલ્ક સ્મિતાના જીવનથી પ્રેરિત હતી. આ ફિલ્મમાં વિદ્યા બાલને મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યારે નસીરુદ્દીન શાહ, ઇમરાન હાશ્મી અને તુષાર કપૂર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા. 

ફિલ્મમાં વિદ્યા બાલનના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી અને તેમના શાનદાર અભિનય માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી સફળતા મેળવી હતી અને તેની વાર્તા તથા કલાકારોના અભિનયને કારણે તે આજે પણ ચર્ચામાં રહે છે.

તમન્ના ભાટિયાની વાત કરીએ તો, અભિનેત્રી હિન્દી સિનેમામાં અનેક ગ્લેમરસ ભૂમિકાઓ ભજવી ચૂકી છે અને તેના તાજેતરના કેટલાક પ્રોજેક્ટ્સને કારણે પણ તે ચર્ચામાં રહી છે. જો તેને ‘ધ ડર્ટી પિકચર 2’માં તક મળે તો તેની કારકિર્દી માટે આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાબિત થઈ શકે છે. બીજી તરફ, તૃપ્તિ ડિમરીનું નામ પણ લીડ એક્ટ્રેસ તરીકે ચર્ચાઈ રહ્યું હોવાથી દર્શકોમાં ઉત્સુકતા વધી છે. જોકે, નિર્માતાઓ કે બંને અભિનેત્રીઓમાંથી કોઈએ પણ આ પ્રોજેક્ટમાં જોડાવવા અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી.

હાલમાં એકતા કપૂરે સિક્વલ બનવાની પુષ્ટિ કરી છે, પરંતુ ફિલ્મની મુખ્ય અભિનેત્રી, અન્ય કલાકારો, શૂટિંગની શરૂઆત અને રિલીઝની તારીખ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. વર્ષ 2011ની સફળ ફિલ્મ બાદ 15 વર્ષના અંતરે આવી રહેલી આ સિક્વલ પાસેથી દર્શકોને ઘણી અપેક્ષાઓ છે. હવે જોવાનું એ રહેશે કે એકતા કપૂર પોતાની નવી વાર્તા માટે તમન્ના ભાટિયા કે તૃપ્તિ ડિમરીમાંથી કોની પસંદગી કરે છે કે પછી કોઈ નવા ચહેરાને તક આપે છે.