નવી મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં મતદાર યાદીમાં ગંભીર ગડબદ અને બોગસ મતદારો હોવાનો મોટો પર્દાફાશ થયો છે. બેલાપુર મતવિસ્તારમાં મનપાની સત્તાવાર વોર્ડ ઓફિસના સરનામે જ 27 મતદારોના નામ નોંધાયેલા હોવાનું સામે આવતાં રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા ગજાનન કાળે એ પુરાવા સાથે આ મામલો સપાટી પર લાવી ચૂંટણી પંચ અને સ્થાનિક પ્રશાસનની કાર્યપદ્ધતિ પર આકરા પ્રહારો કર્યા છે.
સરકારી વોર્ડ ઓફિસના સરનામે મતદારો કેવી રીતે?
બેલાપુર સ્થિત નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ ઓફિસ જ્યાં માત્ર સરકારી કામકાજ થાય છે, ત્યાં રહેણાંક મકાનની જેમ 27 મતદારોનું સરનામું દર્શાવવામાં આવ્યું છે. સરકારી ઓફિસ કોઈ વ્યક્તિનું કાયમી કે રહેણાંક સરનામું ન હોઈ શકે. આ સંજોગોમાં આટલી મોટી સંખ્યામાં લોકોના નામ ત્યાં કેવી રીતે રજીસ્ટર થયા તે અંગે મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મનસે નેતા ગજાનન કાળેના આક્ષેપો અને માંગ:
ગજાનન કાળેએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પંચના અધિકારીઓ સ્થળ પર જઈને વેરિફિકેશન કર્યા વિના જ આવા બોગસ નામો યાદીમાં ઉમેરી રહ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું આ મતદારો ખરેખર અસ્તિત્વમાં છે કે ચૂંટણીમાં ગેરરીતિ આચરવા માટે બોગસ યાદી તૈયાર કરાઈ છે? તેમણે ચૂંટણી પંચ અને મનપા કમિશનર સમક્ષ જવાબદાર અધિકારીઓ સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાની અને બોગસ નામો તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.
આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલાં રાજકીય ગરમાવો
મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે મતદાર યાદીઓમાં જોવા મળતી આવી છબરડાંઓને લઈને તમામ પક્ષો એલર્ટ મોડમાં છે. આ ઘટસ્ફોટ બાદ નવી મુંબઈના અન્ય વોર્ડ્સમાં પણ મતદાર યાદીનું રી-વેરિફિકેશન કરવાની માંગ જોર પકડી રહી છે.