મુંબઈ: મતદાર યાદી પુનઃનિરીક્ષણ પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાને લઈને સમગ્ર દેશમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એસઆઈઆર પ્રક્રિયા અંગે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે રાજ્યમાં આ પ્રક્રિયા માટે મુદત વધારવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી મતદારોને મોટી રાહત મળશે અને તેમને પોતાનું નામ ફરીથી મતદાર યાદીમાં નોંધાવવાની તક મળશે.
મુખ્ય પ્રધાને તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ અંગેની માહિતી આપી હતી. જે નાગરિકોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે, નામોમાં ભૂલ થઈ હોય, સ્પેલિંગમાં ફેરફાર થયો હોય કે સુધારો કરાવવાનો હોય તેવા નાગરિકોને આ મુદત વધારાનો મોટો ફાયદો થશે.
હવે તમામ નાગરિકો ૨૬ ઓક્ટોબર સુધી પોતાના વાંધા-સૂચનો નોંધાવી શકશે. સંબંધિત ચૂંટણી અધિકારીની ઓફિસ તેમજ ઓનલાઈન માધ્યમથી આ વાંધા-સૂચનો નોંધાવી શકાશે.
મુખ્યપ્રધાનની સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ, ૨૬ ઓક્ટોબર સુધી નાગરિકો તરફથી જે દાવા અને વાંધાઓ આવશે તેની વહીવટીતંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવશે. ૧૦ નવેમ્બર સુધીમાં આ તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવશે. ત્યાર બાદ જરૂરી સુધારા-વધારા સાથે ૧૬ નવેમ્બરના રોજ અંતિમ મતદાર યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે. એસઆઈઆર પ્રક્રિયામાં જો નામ રદ થયું હોય કે નામમાં સુધારો કરાવવાનો હોય તો તાત્કાલિક અરજી કરવા માટે જણાવાયું છે.