Wed Oct 14 2026

Logo

મુંબઈ, થાણેમાં હીટવેવની ચેતવણી તાપમાનનો પારો ૩૮ ડિગ્રી...

2026-10-13 22:41:42
Author: Sapna Desai
મુંબઈ, થાણેમાં હીટવેવની ચેતવણી તાપમાનનો પારો ૩૮ ડિગ્રી...

પ્રતીકાત્મક તસવીર


(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં ગયા શુક્રવારથી તાપમાનનો પારો સતત ઊંચો નોંધાઈ રહ્યો છે. હીટવેવ (લૂ)ની ચેતવણી મુજબ મંગળવારે મુંબઈ, થાણે અને રાયગઢમાં ઊંચું તાપમાન રહ્યું હતું.  ૯ અને ૧૨ ઓક્ટોબરે જારી કરાયેલી ચેતવણીઓ બાદ આ મહિનામાં આ ત્રીજી વખત આવી ચેતવણી આપવામાં આવી છે મંગળવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું, જે સામાન્ય કરતાં ૪.૩ ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. કોલાબા વેધશાળાએ મહત્તમ તાપમાન ૩૬.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું, જે સામાન્ય કરતાં ૩.૨ ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.  

માત્ર એક દિવસ પહેલાં કોલાબા અને સાંતાક્રુઝ વેધશાળા દ્વારા નોંધાયેલ મહત્તમ તાપમાન અનુક્રમે ૩૬.૫ ડિગ્રી સેલ્સિયસ અને ૩૮.૨ ડિગ્રી સેલ્સિયસ હતું. મુંબઈ અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારો માટે હવામાન વિભાગના  હીટવેવના માપદંડોમાં વાસ્તવિક તાપમાન અને સામાન્ય તાપમાનથી તેમાં થતા તફાવત - બંનેને ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે મહત્તમ તાપમાન ઓછામાં ઓછું ૩૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે અને સતત બે દિવસ સુધી સામાન્ય તાપમાન કરતાં ૪.૫ ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ વધારે રહે, ત્યારે હીટવેવ જાહેર કરવામાં આવે છે. 

સાંતાક્રુઝ વેધશાળા માટે દિવસના તાપમાનનો અત્યાર સુધીનો સર્વોચ્ચ રેકોર્ડ ૩૮.૬ ડિગ્રી સેલ્સિયસ છે, જે ૧૭ ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ નોંધાયો હતો, જયારે કોલાબા વેધશાળા માટે આ રેકોર્ડ ૩૯.૫ ડિગ્રી સેલ્સિયસ છે, જે ૨૨ ઓક્ટોબર, ૧૯૬૮ના રોજ નોંધાયો હતો. મંગળવારે કોલાબા અને સાંતાક્રુઝ વેધશાળા દ્વારા નોંધવામાં આવેલી સાપેક્ષ ભેજની માત્રા (હ્યુમિડિટી) અનુક્રમે ૭૬ ટકા અને ૬૮ ટકા રહી હતી.

ચોમાસાની જલદી વિદાય સાથે જ  ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં જ ગરમીનું પ્રમાણ વધી ગયું છે. સામાન્ય રીતે ઑક્ટોબરના ઉત્તરાર્ધમાં ગરમ હવામાનની સ્થિતિ જોવા મળતી હોય છે, જે હાલમાં મહિનાના પહેલા પખવાડિયામાં જ જોવા મળી રહી છે. આ દરમ્યાન પણ મંગળવારે રત્નાગિરીમાં દિવસનું તાપમાન ૩૯.૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊચું રહ્યું હતું, હતું, જે એક દિવસ પહેલા નોંધાયેલા ૩૯.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરતાં વધુ હતું. ૩૯.૪ ડિગ્રી સેલ્સિયસ એ રત્નાગિરીમાં નોંધાયેલું દિવસનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન પણ છે. 

હવામાન વિભાગે તેના પૂર્વાનુમાનમાં મુંબઈ, થાણે અને રાયગઢ માટે ૧૫ ઑક્ટોબર સુધી ‘યલો એલર્ટ’ જારી કર્યું છે અને છૂટાછવાયા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા હવામાનની ચેતવણી આપી છે. મુંબઈ અને રત્નાગિરી સહિત સમગ્ર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ઊંચા તાપમાન માટે ચોમાસાની વહેલી વિદાય, સૂકી જમીનની સ્થિતિ અને સતત ફૂંકાતા પૂર્વીય પવનોના સંયોજનને જવાબદાર માનવામાં આવે છે.

સ્વતંત્ર હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ ગરમ વાતાવરણ ૧૬ ઑક્ટોબર સુધી ચાલુ રહી શકે છે. ત્યારબાદ તમિલનાડુ પર ઉત્તર-પૂર્વ ચોમાસાના આગમન અને હાઈ-પ્રેશર (ઉચ્ચ દબાણ) વિસ્તાર નબળો પડવાને આધારે તાપમાન ધીમે ધીમે ઘટીને ૩૫-૩૬ ડિગ્રી સુધી આવી શકે છે. નૈર્ઋયના ચોમાસાની વહેલી વિદાયને કારણે એ પરિબળો નબળા પડ્યા છે જે સામાન્ય રીતે ચોમાસા પછીના સંક્રમણ કાળ દરમિયાન દિવસના તાપમાનને નિયંત્રિત રાખે છે. વાદળછાયું વાતાવરણ, છૂટોછવાયો વરસાદ અને ભેજવાળી જમીન સામાન્ય રીતે સૂર્યના કિરણોને ઘટાડીને અને બાષ્પીભવન દ્વારા ઠંડક જાળવી રાખીને તાપમાનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.