Tue Oct 13 2026

Logo

હાર્બર લાઇનમાં ઓએચઈમાં ખામી સર્જાતાં લોકલ ટ્રેન વ્યવહાર ખોરવાયો, સાંજના પીક અવર્સમાં મુસાફરો હેરાન...

2026-10-13 21:25:23
Author: Mumbai Samachar Team
હાર્બર લાઇનમાં ઓએચઈમાં ખામી સર્જાતાં લોકલ ટ્રેન વ્યવહાર ખોરવાયો, સાંજના પીક અવર્સમાં મુસાફરો હેરાન...

મુંબઈ: મુંબઈમાં મધ્ય રેલવેની હાર્બર લાઇન પર આજે સાંજે ઓવરહેડ ઇક્વિપમેન્ટ (ઓએચઈ)માં ટેકનિકલ ખામી સર્જાતાં લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને વડાલા વચ્ચે ડાઉન હાર્બર લાઇન પર આ ખામી સર્જાઈ હતી. સાંજના પીક અવર્સ દરમિયાન બનેલી આ ઘટનાને કારણે નોકરી-ધંધેથી ઘરે પરત ફરી રહેલા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મધ્ય રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓવરહેડ ઇક્વિપમેન્ટમાં ખામી સર્જાતાં હાર્બર લાઇન પર દોડતી અનેક લોકલ ટ્રેનોને રસ્તામાં જ રોકી રાખવી પડી હતી. તેના કારણે ટ્રેનોના સંચાલન પર અસર પડી હતી અને વિવિધ સ્ટેશનો પર પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. સાંજના વ્યસ્ત સમયે સર્જાયેલી આ ટેકનિકલ સમસ્યાએ પ્રવાસીઓની અવરજવરને અસરગ્રસ્ત કરી હતી. ખામીની અસર ખાસ કરીને સીએસએમટીથી પનવેલ અને ગોરેગાંવ તરફ જતી લોકલ ટ્રેન સેવાઓ પર જોવા મળી હતી. આ બંને દિશામાં જતી ટ્રેનોને વિલંબનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે  દૈનિક મુસાફરીનું સમયપત્રક ખોરવાયું હતું.
 
રેલવેના કર્મચારીઓ દ્વારા ખામીને દૂર કરવા અને ટ્રેન વ્યવહારને સામાન્ય બનાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ઓવરહેડ ઇક્વિપમેન્ટની મરમ્મત પૂર્ણ થયા બાદ સેવાઓને સામાન્ય કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જોકે, સેવાઓ સંપૂર્ણપણે ક્યારે સામાન્ય થશે તે અંગે અધિકારીઓએ કોઈ ચોક્કસ સમયની માહિતી આપી નહોતી.હાર્બર લાઇન મુંબઈના દક્ષિણ ભાગને નવી મુંબઈ અને પશ્ચિમ ઉપનગરો સાથે જોડતી મહત્ત્વપૂર્ણ રેલવે લાઇન છે. આ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અવરજવર કરે છે. પનવેલ અને ગોરેગાંવ તરફ જતી લોકલ ટ્રેનો નોકરી કરતા લોકો, વિદ્યાર્થીઓ અને અન્ય દૈનિક પ્રવાસીઓ માટે પરિવહનનું મહત્ત્વનું સાધન હોવાથી અહીં સર્જાતી ટેકનિકલ ખામીની વ્યાપક અસર જોવા મળે છે.