Tue Oct 13 2026

Logo

રાજ્યમાં કચરામાંથી કૉમ્પ્રેસ્ડ બાયોગૅસનું ઉત્પાદન કરાશે: ટાસ્ક ફોર્સની રચના કરાશે

2026-10-13 19:07:18
Author: Sapna Desai
રાજ્યમાં કચરામાંથી કૉમ્પ્રેસ્ડ બાયોગૅસનું ઉત્પાદન કરાશે: ટાસ્ક ફોર્સની રચના કરાશે

Chat GPT Image


(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં પ્રતિદિન નીકળતા કચરા અને તેનો નિકાલ કરવાનું  સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે માથાનો દુખાવો બની ગયો છે ત્યારેે ડમ્પિંગ ગ્રાઉન્ડનો ભાર ઓછો કરવા અને રાજ્યનાં શહેરોને કચરામુક્ત બનાવવાની સાથે કચરામાંથી કોમ્પ્રેસ્ડ બાયોગૅસ (સીબીજી)ના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે એક ટાસ્ક ફોર્સની સ્થાપના કરવાનો આદેશ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે. એ સાથે જ જે શહેરમાં શકય હોય ત્યાં રાજ્યની સીબીજી પૉલિસી મુજબ પ્રોજેક્ટ સ્થાપવાનો પણ મુખ્ય પ્રધાને નિર્દેશ આપ્યો છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સત્તાવાર નિવાસસ્થાન વર્ષામાં કચરામુક્ત શહેરો અને કોમ્પ્રેસ્ડ બાયોગૅસ (સીબીજી) પ્રોજેક્ટ બાબતે આયોજિત બેઠકમાં પ્રસ્તાવિત પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. બેઠકમાં રાજ્ય પ્રધાન માધુરી મિસાળ, મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અશ્ર્વિની ભીડે, અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના  ચીફ સેક્રેટરી સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. 

બેઠક દરમ્યાન ખાનગી કંપની દ્વારા નાગપુરમાં અમલમાં મુકાયેલા કચરામાંથી બાયોગૅસ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને રાજ્યમાં આવા પ્રોજેક્ટ સ્થાપવા અંગે માહિતી આપવામાં આવી હતી. બેઠક બાદ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે કચરાના જથ્થા, ઉપલબ્ધ જગ્યા, ટૅકનોલૉજીની યોગ્યતા અને ગૅસ પાઇપલાઇનના અંતરને ધ્યાનમાં લઈને પ્રોજેક્ટનું આયોજન કરવાની જરૂર છે અને અમલીકરણ પ્રક્રિયા આ ક્ષેત્રની કંપનીઓ, તેલ કંપનીઓ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ભાગીદારીથી નક્કી થવી જોઈએ.  આ પ્રોજેક્ટ કચરો એકઠો કરવા માટે નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવતા ખર્ચને બચાવશે અને કચરો મુક્ત શહેરોના લક્ષ્યને વેગ આપશે એવો દાવો પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.

મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં કચરાની મોટી સમસ્યા છે. તેથી મુંબઈ મહાનગરપાલિકા, વસઈ-વિરાર, મીરા-ભાઈંદર, કલ્યાણ-ડોમ્બિવલી તેમજ પુણેના હિંજેવાડી અને ચાકણ વિસ્તારોમાં આવા પ્રોજેક્ટ સ્થાપવા પર ભાર આપતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે કચરાના સાયન્ટીફિકલી મેનેજમેન્ટ, ઉપલબ્ધ ટૅક્નોલૉજીનો અસરકારક ઉપયોગ અને પ્રોજેક્ટ માટે જરૂરી જગ્યાનું આયોજન કરીને રાજ્યનાં શહેરોને કચરા મુક્ત બનાવવા તરફ નક્કર પગલાં લેવાના રહેશે. 

બેઠકમાં મ્યુનિસિપલ વિસ્તારમાં કચરાનું પ્રક્રિયા કરવા માટે નજીકનાં શહેરોનો સમાવેશ કરીને ક્લસ્ટર મોડેલ વિકસાવવાનો વિકલ્પ પણ વિચાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેમ જ શહેરોમાં કચરાનું પ્રાથમિક વર્ગીકરણ કરવામાં આવે અને શહેરની બહાર યોગ્ય જગ્યાએ વધુ પ્રક્રિયા કરવામાં આવે, તો શહેર પરનું દબાણ ઘટાડી શકાય છે અને  ગૅસ પાઇપલાઇનની નજીક પ્રોજેક્ટ સ્થાપવાથી ઉત્પાદિત ગૅસના પરિવહનનો ખર્ચ ઘટાડવામાં મદદ મળી શકે છે એવું પણ કહેવામાં આવ્યું હતું.