થાણે: થાણેમાં શિવસેના (યુબીટી)ના નેતા પ્રદીપ પુર્ણેકરની હત્યાના કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઇટી) થાણેનાં ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદેના પતિ રાજેન્દ્ર શિંદેની કાવતરામાં તેની કથિત ભૂમિકા અંગે મંગળવારે પૂછપરછ કરી હતી.
પ્રદીપ પુર્ણેકરના પુત્ર રામ પુર્ણેકરે પોતાના ઔપચારિક નિવેદનમાં ભૂતપૂર્વ મેયર અને તેના પતિ પર હત્યાનું કાવતરું ઘડ્યાનો આક્ષેપ કર્યો હતો, જેને પગલે એસઆઇટીએ રાજેન્દ્ર શિંદેને પૂછપરછ માટે બોલાવ્યો હતો.
થાણેમાં પક્ષના કાર્યાલય બહાર 29 સપ્ટેમ્બરે પ્રદીપ પુર્ણેકરની ગોળી મારીને તથા ચોપરના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં હુમલાખોરો પપ્યા શિંદે, નિખિલ યાદવ, નિતેશ પવાર અને મુખ્ય આરોપી સંતોષ કનોજિયા ઉર્ફે તલ્લી અને તેના સાથીદાર અમિત સિંહ ઉર્ફે પપલુની ધપકડ કરી હતી. સંતોષ અને અમિતને ગયા સપ્તાહે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કાવતરામાં કથિત ભૂમિકા અંગે રાજેન્દ્ર શિંદેની મંગળવારે પૂછપરછ કરવામાં આવી હતી. (પીટીઆઇ)