Tue Oct 13 2026

Logo

ગુજરાત સરકારે 158 પાકિસ્તાનીઓને આપી નાગરિકતા, કોણ છે આ લોકો

2026-10-13 12:53:00
Author: Mayur Patel
ગુજરાત સરકારે 158 પાકિસ્તાનીઓને આપી નાગરિકતા, કોણ છે આ લોકો

અમદાવાદઃ ગુજરાત સરકારે 158 પાકિસ્તાનીઓને ભારતીય નાગરિકતા આપી હતી. આ લોકો  પાકિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડન અને યાતનાઓ સહન કરીને આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન અને પારસી પરિવારો હતા. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ'માં CAA અંતર્ગત 126 અને કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા 32 મળીને કુલ 158 શરણાર્થીઓને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને અન્ય મહાનુભાવોના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

શું બોલ્યા હર્ષ સંઘવી

નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહમાં 158 શરણાર્થી પરિવારોને ભારતીય નાગરિકતા આપતાં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દિવાળીને હજુ 20 દિવસની વાર છે, પરંતુ ભારતની નાગરિકતા મેળવીને આજે આ 158 પરિવારોમાં અત્યારથી જ દિવાળી જેવો ઉત્સવનો માહોલ સર્જાયો છે. પાકિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડન અને યાતનાઓ સહન કરીને આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન અને પારસી પરિવારોને આ ભય અને પીડામાંથી મુક્તિ અપાવીને દેશમાં નવું જીવન આપવા બદલ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માન્યો હતો.

નાયબ મુખ્ય પ્રધાને નાગરિકતા સુધારા કાયદા (CAA) ના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, રાજકીય સ્વાર્થ માટે સીએએનો વિરોધ કરનારા લોકો આ પિડિત પરિવારોની દર્દનાક યાતનાઓને ક્યારેય સમજી શકે નહીં. તેમણે ભારતીય પાસપોર્ટનું સન્માન અને ગૌરવ રેખાંકિત કરતાં કહ્યું કે, "પણા દેશ અને રાજ્યમાં કોઈ તકલીફમાં હોય ત્યારે મદદ કરવાની ઉદાત્ત ભાવના રહેલી છે. શરણાર્થીઓના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ સીએએ લાવ્યા છે, જેનાથી આજે હજારો પરિવારો પોતાના વતનમાં ગૌરવપૂર્ણ જીવન જીવી રહ્યા છે.

ગુજરાતના ડાયરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ એન્ડ ડિરેક્ટર ઓફ સિટિઝન રજિસ્ટ્રેશન સુજલ મયાત્રાએ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019 હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા લઘુમતી સમુદાયોને ભારતીય નાગરિકતા આપવામાં આવી રહી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1500થી વધુ લોકોને નાગરિકતા પ્રદાન કરવામાં આવી છે.  તેમણે જણાવ્યું હતું કેઆ માત્ર એક દસ્તાવેજ નથી પરંતુ દેશના વિકાસમાં સહભાગી થવાનું એક મહત્વપૂર્ણ પગલું છે.  

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા 2016 અને 2018ના ગેઝેટથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયોના લોકોને 'સિટીઝનશિપ એક્ટ-1955'ની કલમ-5 અને 6 અન્વયે નાગરિકતા આપવા અંગેની સત્તાઓ જિલ્લા કલેક્ટરને એનાયત કરાઈ છે, જેમાં વર્ષ 2017થી 2025 સુધીમાં 1200થી વધુ અરજદારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપીને અમદાવાદ જિલ્લો સમગ્ર દેશમાં મોખરે રહ્યો છે.