Tue Oct 13 2026

Logo

કાળા સમુદ્રમાં બે જહાજ પર ડ્રોન હુમલો: એક જહાજ ડૂબ્યું, બલ્ગેરિયાના વડાપ્રધાને વ્યક્ત કરી નારાજગી...

Sofia   2026-10-13 21:15:31
Author: Mumbai Samachar Team
કાળા સમુદ્રમાં બે જહાજ પર ડ્રોન હુમલો: એક જહાજ ડૂબ્યું, બલ્ગેરિયાના વડાપ્રધાને વ્યક્ત કરી નારાજગી...

Reuters


સોફિયાઃ સમુદ્રમાં ફરી એકવાર ડ્રોન હુમલો થતાં તણાવ વકર્યો છે. યુરોપના કાળા સમુદ્રમાં બલ્ગેરિયાના દરિયાકાંઠા નજીક બે જહાજોને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં એક જહાજ સંપૂર્ણ ડૂબી ગયું હતું. જ્યારે બીજા જહાજને નુકસાન પહોંચ્યું હતું. આ જાણકારી બલ્ગેરિયાના વડા પ્રધાન રુમેન રાદેવે આપી હતી. એક સપ્તાહની અંદર આ પ્રકારની આ બીજી ઘટના છે.

રાદેવે સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં જણાવ્યું કે બચાવ દળોએ માલ્ટાના ધ્વજવાળા જહાજ 'ચેલ્સી ૩'માંથી તમામ ૧૫ ક્રૂ સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જેમાંથી પાંચ લોકોની સામાન્ય ઇજાઓ થતાં સારવાર કરવામાં આવી હતી. ક્રૂમાં સાત યુક્રેનિયન અને આઠ અઝરબૈજાની નાગરિકો હતા. જહાજના ડેક અને નીચલા ભાગ પર હવાઇ ડ્રોન દ્વારા ત્રણ હુમલા કરવામાં આવ્યા હતા.

રાદેવે વધુમાં જણાવ્યું કે ડૂબી ગયેલા જહાજમાંથી એક ક્રૂ મેમ્બરને બચાવી લેવાયો હતો. પરંતુ જહાજ પર સવાર અન્ય લોકો વિશે કોઇ માહિતી આપી ન હતી. આ હુમલા બલ્ગેરિયાના દરિયાકાંઠાથી ૨૦ માઇલ અને ૨૧ માઇલ(૩૨ અને ૩૪ કિલોમીટર)દૂર થયા હતા.

આ હુમલા પર નારજગી વ્યક્ત કરતાં રાદેવે કહ્યું કે બલ્ગેરિયાના દરિયાઇ ક્ષેત્રની એકદમ નજીક આ પ્રકારનો હુમલો સ્વીકાર્ય નથી. તેઓ નાટો અને યુરોપિયન સંઘની મદદ માંગશે. જો કે આ હુમલા પાછળ કોનો હાથ છે તે હજુ સુધી સ્પષ્ટ થયું ન હોવાનું રાદેવે કહ્યું હતું. પરંતુ તેમણે આ હુમલાથી રશિયાને ફાયદો હોવાની વાત કરી હતી.