Wed Oct 14 2026

Logo

પાલઘરમાં ઘાયલ ‘ગોવિંદાઓ’ની સારવાર પછી બિલને લઇ હોસ્પિટલના સ્ટાફની મારપીટઃ શિવસેનાના પદાધિકારીઓ સહિત 17 જણ વિરુદ્ધ ગુનો દાખલ

2026-09-06 19:02:40
Author: Yogesh D. Patel
પાલઘરમાં ઘાયલ ‘ગોવિંદાઓ’ની સારવાર પછી બિલને લઇ હોસ્પિટલના સ્ટાફની મારપીટઃ શિવસેનાના પદાધિકારીઓ સહિત 17 જણ વિરુદ્ધ ગુનો દાખલ

પાલઘર/મુંબઈ: પાલઘર જિલ્લામાં દહીં હાંડીની ઉજવણી દરમિયાન ઘાયલ થયેલા ‘ગોવિંદાઓ’ની સારવાર બાદ અપાયેલા મેડિકલ બિલને લઇ હોસ્પિટલના સ્ટાફની મારપીટ કરવા, ગાળો ભાંડવા તથા સ્ટાફને ધમકાવવા બદલ વિધાનસભ્યના પુત્ર, શહેર એકમના પ્રમુખ સહિત 17 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.પોલીસે આ પ્રકરણે રવિવારે 17 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, જેમાં શિવસેનાના જિલ્લા પ્રમુખ કુંદન બાળકૃષ્ણ સંખે, શહેર પ્રમુખ રાહુલ રામદાસ ઘરત, વિધાનસભ્ય રાજેન્દ્ર ગાવિતના પુત્ર રોહિત ગાવિત તથા અન્યોનો સમાવેશ છે.

પાલઘરમાં શિવસેનાના મધ્યવર્તી કાર્યાલયની બહાર મટકી ફોડવા માટે પિરામિડ રચવા દરમિયાન પાંચ ગોવિંદા ઇજા પામ્યા હતા, જેમને સારવાર માટે નજીકની રિલીફ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આ ઘટના બની હતી. આ પ્રકરણે હોસ્પિટલના બિલિંગ રિસેપ્શનિસ્ટ વિવેક બાબુલિંગા (23)એ નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો દાખલ કરાયો હતો.ઘાયલ થયેલા પાંચ ગોવિંદાની ઓળખ ઓમકાર કલવાડકર, આકાશ પાટીલ, હિતેશ ચૌધરી, કેશવ ઠાકુર અને અનિકેત માહ્યાવંશી તરીકે થઇ હતી, જેમને શનિવારે મોડી રાતે હોસ્પિટલમાં સારવારાર્થે લાવવામાં આવ્યા હતા.

મોડી રાતે પાંચેય ગોવિંદાની સારવારનું કુલ બિલ હોસ્પિટલે 19,866 રૂપિયા બનાવ્યું હતું, જેમાંથી 10,000 રૂપિયા ભરવામાં આવ્યા હતા. જોકે બાકીના રૂપિયા ચૂકવ્યા વિના ગોવિંદાઓને ડિસ્ચાર્જ આપવાની ટોળાએ માગણી કરતાં બોલાચાલી થઇ હતી. મધરાતે 1.15 વાગ્યે સાળુંખે અને ઘરતના નેતૃત્વમાં 15થી 20 લોકો કેઝ્યુઅલ્ટી વોર્ડમાં ધસી ગયા હતા. તેમણે ઓન-ડ્યૂટી ફિઝિશ્યન ડૉ. લિજોમોલને ગાળાગાળી કરી હતી અને રિસેપ્શનિસ્ટ વિવેક બાબુલિંગાને તમાચો માર્યો હતો. તેઓ આઇસીયુમાં પણ ઘૂસી ગયા હતા અને દાખલ એક ગોવિંદાને બહાર કાઢ્યો હતો, એવો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો.

પોલીસે રવિવારે સવારે કુંદન સંખે, રાહુલ ઘરત, વિધાનસભ્યના પુત્ર રોહિત ગાવિત, મનીષ ઉર્ફે વિકી સંખે, સાઇરાજ પાટીલ, રાહુલ સંખે, મનોજ ઘરત, નીલમ સંખે, શુભમ બાંદિવડેકર, ઋષભ વારે તથા સાતથી આઠ અજાણ્યા શખસો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, મેડિકલ સર્વિસ પર્સન્સ એન્ડ મેડિકલ સર્વિસ ઇન્સ્ટિટ્યૂશન્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો, એમ પાલઘર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. 

સબ-ઇન્સ્પેક્ટર વિનાયક કેસરકર દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને આ કેસમાં હજી સુધી કોઇની ધરપકડ કરાઇ નથી. અહીં એ જણાવવાનું કે અગાઉ જુલાઈ, 2026માં કલ્યાણ-ડોંબિવલીની શાસ્ત્રીનગરની હોસ્પિટલમાં એકનાથ શિંદે જૂથના કોર્પોરેટર રમેશ મ્હાત્રેએ ડોક્ટરની મારપીટ કરી હતી, જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા.(પીટીઆઇ)