Wed Oct 14 2026

Logo

અમદાવાદમાં દિવ્યાંગોની વિશ્વ તીરંદાજીમાં ભારતના બે મેડલ પાક્કાંઃ શીતલ દેવી મોખરે

2026-09-06 21:17:41
Author: Ajay Motiwala
અમદાવાદમાં દિવ્યાંગોની વિશ્વ તીરંદાજીમાં ભારતના બે મેડલ પાક્કાંઃ શીતલ દેવી મોખરે

PTI


અમદાવાદઃ અહીં દિવ્યાંગ તીરંદાજો માટેની વર્લ્ડ આર્ચરી (Archery) પૅરા સિરીઝમાં ભારતે રવિવારે ઓછામાં ઓછા બે ચંદ્રક પાક્કાં કરી લીધા હતા. બીજી તરફ, મહિલા તીરંદાજોમાં વર્લ્ડ નંબર-વન અને ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન જમ્મુની શીતલ દેવીએ મહિલાઓના પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું. ટીમને લગતા પૉઇન્ટની યાદીમાં પણ ભારતીય પુરુષો અને મહિલાઓની ટીમ રવિવારે મોખરે હતી.

યુગલ ગર્ગ, પવન કુમાર અને તન્વી ઇંગળેએ સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવતાં ભારતે વિઝ્યુઅલી ઇમ્પેઇર્ડ-1 કૅટેગરીમાં ઓછામાં ઓછા બે મેડલ નક્કી કરી લીધા હતા.

શીતલ દેવી (Sheetal Devi)ને બન્ને હાથ નથી અને તે બેઉ પગની મદદથી ધનુષ બાણમાં તીર ગોઠવીને નિશાન લગાવે છે. તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા ચંદ્રક જીતી ચૂકી છે. રવિવારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આ સ્પર્ધામાં શીતલ દેવીએ વિમેન્સ કમ્પાઉન્ડ કૅટેગરીના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં વધુમાં વધુ સંભવિત 720 શૉટની સામે 698 શૉટ સાથે મોખરાનું સ્થાન મેળવ્યું હતું.

મહિલા વર્ગમાં લાલપતી અને સરિતા અનુક્રમે 11મા તથા 12મા ક્રમે રહી હતી અને 16 સ્પર્ધકના રાઉન્ડમાં પહોંચી હતી. પાયલ નાગ નામની ભારતીય સ્પર્ધક સ્લોવેકિયાની ડૉમિનિકા પેટ્રોવિકોવાને 140-131થી હરાવીને નવા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.