નવી દિલ્હી: સરકાર વધુ વ્યાપારી પાકોને દાયરામાં લાવીને પ્લાન્ટેશન ક્ષેત્રમાં વિદેશી સીધા રોકાણ (એફડીઆઇ)ના ધોરણોને ઉદાર બનાવવાનું વિચારી રહી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય આ મુદ્દા પર હિતધારકો સાથે ચર્ચાવિચારણાં કરી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.હાલમાં, ચા ક્ષેત્રમાં ઓટોમેટિક રૂટ હેઠળ ૧૦૦ ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણની મંજૂરી છે, જેમાં ચાના વાવેતર, કોફી, રબર, એલચી, પામ અને ઓલિવ તેલના વૃક્ષોના વાવેતરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અન્ય કોઈપણ પ્રકારના પ્લાન્ટેશન સેકટર અથવા તેને લગતી પ્રવૃત્તિમાં એફડીઆઇની મંજૂરી નથી.
અમે કેળા જેવા પ્લાન્ટેશન ક્ષેત્રમાં વિદેશી રોકાણ આકર્ષવા એફડીઆઇમાં વધુ ઉદારીકરણના માર્ગો શોધી રહ્યા છીએ, એમ અધિકારીએ ઉમેર્યું હતું. ભારતને એપ્રિલ ૨૦૦૦ અને માર્ચ ૨૦૨૬ દરમિયાન ચા અને કોફી (કોફીની પ્રક્રિયા અને વેરહાઉસિંગ)માં ૨૯૫.૨૩ મિલિયન ડોલર જેટલા એફડીઆઇ અને રબરના માલમાં ૩.૯૩ બિલિયન ડોલર જેટલું એફડીઆઇ પ્રાપ્ત થયું છે.એક અંદાજ મુજબ, ભારત વાર્ષિક ૩૦ મિલિયન ટનથી વધુ સાથે વિશ્ર્વનો સૌથી મોટો કેળા ઉત્પાદક દેશ છે. કેળાનો સૌથી મોટો વૈશ્ર્વિક ઉત્પાદક હોવા છતાં, ભારતની નિકાસ આ જથ્થાત્મક મૂલ્યાંકનને પ્રતિબિંબિત કરતી નથી. વિશ્ર્વના કેળા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૨૬.૪૫ ટકા (૩૫.૩૬ મિલિયન મેટ્રિક ટન) હોવા છતાં, વૈશ્ર્વિક બજારમાં ભારતનો નિકાસ હિસ્સો ફક્ત એક ટકા છે.
વર્ષ ૨૦૨૪-૨૫માં, ભારતે ૩૭૭.૫ મિલિયન ડોલરના મૂલ્યના કેળાની નિકાસ કરી હતી, જે વાર્ષિક ધોરણે લગભગ ૩૦ ટકા વૃદ્ધિ દર્શાવે છે. ભારત આગામી વર્ષોમાં આ નિકાસ એક અબજ ડોલર સુધી વધારવાનું લક્ષ્ય ધરાવે છે.ભારતીય કેળાના મુખ્ય નિકાસ સ્થળોમાં ઈરાન, ઇરાક, સંયુક્ત અરબ અમીરાત, ઓમાન, ઉઝબેકિસ્તાન, સાઉદી અરેબિયા, નેપાળ, કતાર, કુવૈત, બહેરીન, અફઘાનિસ્તાન અને માલદીવનો સમાવેશ થાય છે. વધુમાં, યુએસ, રશિયા, જાપાન, જર્મની, ચીન, નેધરલેન્ડ, યુકે અને ફ્રાન્સ પણ ભારતને વિપુલ પ્રમાણમાં નિકાસ તકો પ્રદાન કરે છે.
કેળા એક મુખ્ય બાગાયતી ઉત્પાદન છે, જેમાં આંધ્ર પ્રદેશ ભારતમાં સૌથી મોટું કેળા ઉત્પાદક રાજ્ય છે, ત્યારબાદ મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશનો ક્રમ આવે છે. આ પાંચ રાજ્યો સામૂહિક રીતે ૨૦૨૨-૨૩માં ભારતના કેળાના ઉત્પાદનમાં લગભગ ૬૭ ટકા ફાળો આપે છે.