Thu Oct 01 2026

Logo

ઇતિહાસમાંથી મુઘલોને હટાવવાની ચર્ચા વચ્ચે ટ્વિંકલ ખન્નાની ટિપ્પણીથી વિવાદ, યુઝરે યાદ કરાવી 'કેસરી'

2026-09-06 22:19:44
Author: Mumbai Samachar Team
ઇતિહાસમાંથી મુઘલોને હટાવવાની ચર્ચા વચ્ચે ટ્વિંકલ ખન્નાની ટિપ્પણીથી વિવાદ, યુઝરે યાદ કરાવી 'કેસરી'

Twinkle Khanna (@twinklerkhanna)


નવી દિલ્હી: અભિનેત્રી અને લેખિકા ટ્વિંકલ ખન્ના પોતાની તાજેતરની ટિપ્પણીને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. પોતાની કોલમમાં તેણે ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલોનો ઈતિહાસ હટાવવાની ચર્ચાને મુઘલાઈ ખાણીપીણી સાથે જોડીને વ્યંગ કર્યો હતો. તેની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે તેની ટીકા પણ કરી છે.

ટ્વિંકલ ખન્નાએ લખ્યું હતું કે જે લોકો ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલોને હટાવવા માંગે છે, તેમણે તેની શરૂઆત પોતાના લંચથી કરવી જોઈએ. તેણે કોફ્તા, કોરમા, કબાબ અને મુઘલાઈ પનીર જેવી વાનગીઓનો ઉલ્લેખ કરતા સવાલ ઉઠાવ્યો હતો કે મુઘલોનો ઈતિહાસ હટાવવાની વાત સાથે મુઘલાઈ વાનગીઓનો સ્વાદ કેવી રીતે જાળવી શકાય. આ ટિપ્પણી તેમણે દેશમાં ચાલી રહેલી ખાદ્ય સુરક્ષા અને ફૂડ સેફ્ટી અંગેની ચર્ચાના સંદર્ભમાં કરી હતી.  

 ટ્વિંકલની આ ટિપ્પણી બાદ કન્ટેન્ટ ક્રિએટર શીમા ખેરે સોશિયલ મીડિયા પર તેમની ટીકા કરી હતી. શીમા ખેરે દલીલ કરી હતી કે ઐતિહાસિક હિંસા અને સંઘર્ષની તુલના ખાણીપીણી સાથે કરવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે ભારતના ઈતિહાસને માત્ર કબાબ અને કોરમા જેવી વાનગીઓના સંદર્ભમાં જોવાને બદલે તે સમયગાળાના યુદ્ધો, વિજય અને સંઘર્ષોને પણ સમજવા જરૂરી છે.  

શીમા ખેરે આ મુદ્દે અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’નો પણ ઉલ્લેખ કર્યો હતો. સારાગઢીની લડાઈ પર આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમારે મુખ્ય ભૂમિકા ભજવી હતી. શીમાએ સવાલ કર્યો હતો કે જો ઐતિહાસિક ઘટનાઓ અને તે સમયની હિંસા પર બનેલી ફિલ્મ જોઈને લોકો શહીદોની બહાદુરીને સ્વીકારી શકે છે અને ત્યારબાદ સામાન્ય ખોરાક લઈ શકે છે, તો ઈતિહાસની ચર્ચામાં ખોરાકને દલીલ તરીકે શા માટે લાવવામાં આવે છે.  

 ટ્વિંકલ ખન્નાની ટિપ્પણી એવા સમયે સામે આવી છે જ્યારે શાળા પાઠ્યપુસ્તકોમાં મુઘલ ઇતિહાસને આપવામાં આવતા સ્થાન અંગે પણ ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં NCERTના પુસ્તકોમાં ઐતિહાસિક ફેરફારોને લઈને ચર્ચા થઈ હતી. આ સમગ્ર પૃષ્ઠભૂમિ વચ્ચે ટ્વિંકલ ખન્નાની વ્યંગાત્મક ટિપ્પણીએ ઈતિહાસ, પાઠ્યપુસ્તકો અને મુઘલ વારસાને લઈને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ કરી છે.