અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓ, જાહેર આરોગ્ય, ટ્રાફિક વ્યવસ્થાપન અને વહીવટી કામગીરીને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી .આ પ્રસંગે સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન કમલેશભાઇ પટેલે જનતાનગર ઓવરબ્રિજ અંગે વાત કરતા જણાવ્યું હતુ કે, સમગ્ર દેશમાં ફાટકમુક્ત અભિયાનના ભાગરૂપે અમદાવાદના ગોતા વોર્ડમાં જનતાનગર ખાતે ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનો મુદ્દો સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયો હતો. આ અંગે વૈકલ્પિક ટ્રાફિક મેનેજમેન્ટના ઉપાયો અને જંક્શન ઈમ્પ્રુવમેન્ટ, વન-વે સિસ્ટમ, સિગ્નલ ઓપ્ટીમાઈજેશન જેવા વિવિધ વિકલ્પોનું મૂલ્યાંકન કરવાની સૂચના આપવામાં આવી છે.
સુરક્ષા સાથે ચેડા કરતા ફૂડ એકમ નહીં ચાલે
જરૂરી વિગતો એકત્રિત કરીને ફરીથી કમિટી સમક્ષ રજૂ કરવામાં આવે તે માટે હાલ આ દરખાસ્ત પરત કરવામાં આવી છે. નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. દિવસ દરમિયાન કરવામાં આવતા ચેકિંગની સાથે રાત્રિના સમયે પણ ખાણીપીણીનાં બજારોમાં સઘન તપાસ કરવા હેલ્થ વિભાગને નિર્દેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન રસ્તાઓ પર ઊભાં થતાં ખાણી-પીણીના બજારોમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને સુરક્ષાના નિયમોનું પાલન થાય તેની તકેદારી રાખવામાં આવશે.
ફટાકડાના વેપારીઓને ખાસ સૂચના
દિવાળીના તહેવારને લઈ ફટાકડાના વેપાર મુદ્દે વધુ વાત કરતા ચેરમેન એ જણાવ્યું હતું કે, ફટાકડાના વેપાર માટે જરૂરી મંજૂરીઓ અને નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા કોર્પોરેશન દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. ફટાકડાનો વેપાર કરવા માટે સંબંધિત નિયમો અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની BU પરમિશન, ફાયર વિભાગની મંજૂરી અને પોલીસ વિભાગની મંજૂરી સહિતની જરૂરી મંજૂરીઓ હોવી અનિવાર્ય છે. તાજેતરમાં જરૂરી મંજૂરીઓના અભાવે 30 એકમોને સીલ કરવામાં આવ્યા હતા. રાયપુર અને કાલુપુર સહિતના વિસ્તારોમાં મંજૂરીઓ વિના ફટાકડાનો વેપાર થતો હોવાનું ધ્યાનમાં આવતાં સંબંધિત એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હી દરવાજા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ભાડે આપવામાં આવેલી જગ્યાઓમાં ફટાકડાનો વેપાર કરતા એકમો અંગે પણ તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.
બે દિવસમાં રિપોર્ટ
આ જગ્યાઓ માટે જરૂરી BU પરમિશન ઉપલબ્ધ છે કે નહીં, તેમજ મૂળ ભાડે આપેલી જગ્યાઓ પર સંબંધિત ભાડુઆતો જ વ્યવસાય કરે છે કે અન્ય કોઈ વ્યક્તિને પેટાભાડે જગ્યા આપવામાં આવી છે, તેની વિગતો તપાસીને બે દિવસમાં અહેવાલ રજૂ કરવા જણાવાયું છે. તા. 23 જુલાઈ 2026ના રોજ અમદાવાદમાં પડેલા અતિભારે વરસાદથી થયેલા નુકસાન અંગે સહાય વિશે વાત કરતા ચેરમેનએ જણાવ્યું હતું કે, વરસાદથી થયેલા નુકસાન અંગે સહાય મેળવવા માટે તા. 30 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની સમયમર્યાદા સંદર્ભે અમદાવાદ શહેરમાંથી આશરે 75 અરજીઓ કોર્પોરેશનને પ્રાપ્ત થઈ છે. હાલમાં આ અરજીઓની ચકાસણીની કામગીરી ચાલી રહી છે, જેમાં મામલતદાર સહિતના સંબંધિત અધિકારીઓ સહભાગી છે. રજૂ થયેલા પુરાવાઓની ચકાસણી પૂર્ણ થયેથી નુકસાનની વિગતોને આધારે રાહત અંગે નિર્ણય લેવામાં આવશે.
સ્માર્ટ પાર્કિંગ મુદ્દે ખાસ ચર્ચા
સી.જી રોડ પર બનાવેલા સ્માર્ટ પાર્કિંગ અંગે જણાવ્યું હતું કે, અમદાવાદને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની દિશામાં સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થાનો પણ અમલ કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સી.જી રોડ ખાતે બનાવેલ સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા મારફતે
ગત સપ્તાહ દરમિયાન આશરે રૂ. 36,000ની આવક પ્રાપ્ત થઈ છે. જોકે, કેટલાક નાગરિકો હજુ પણ ઓનલાઇન પાર્કિંગની પ્રક્રિયાથી પૂરતા પરિચિત ન હોવાથી યોગ્ય રીતે વાહનો પાર્ક કરતા નથી, જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય છે. નાગરિકોને પાર્કિંગની પ્રક્રિયા અને પેમેન્ટ કરવાની રીત સરળતાથી સમજાય તે માટે પાર્કિંગની આસપાસ માર્ગદર્શક અને સૂચનાત્મક બોર્ડ લગાવવા સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે.