કરાચી/લંડનઃ પાકિસ્તાન ક્રિકેટ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)નું મોટા પાયે પતન થયું છે અને તેમની પ્રતિષ્ઠા સાવ તળિયે છે એવામાં પીસીબીએ વધુ એક આકરું પગલું ઇંગ્લૅન્ડના પ્રવાસમાં એક પછી એક મૅચ હારી રહેલા પોતાના ક્રિકેટરો સામે ભર્યું છે. ખેલાડીઓને જાણે પીસીબી વહીવટની `જેલમાં બંધ' હોવાનો અનુભવ થાય એવું આ પગલું છે. પીસીબીના અધિકારીઓએ કેટલાક પાકિસ્તાની ખેલાડીઓના મોબાઇલ ફોન (MOBILE PHONE) જપ્ત કરી લીધા છે. કયા ખેલાડીઓના ફોન જપ્ત કરાયા છે એ નામ જાહેર નહોતા કરવામાં આવ્યા.
પીસીબીના આ અભૂતપૂર્વ પગલાંને કારણે ક્રિકેટ જગતમાં મૅચ-ફિક્સિંગ કે સ્પૉટ-ફિક્સિંગની અફવા ઉડી છે. ભૂતકાળમાં ઇંગ્લૅન્ડમાં પાકિસ્તાની ખેલાડીઓએ સ્પૉટ-ફિક્સિંગ કર્યું હોય એ સૌના ધ્યાનમાં હશે જ. 16 વર્ષ પહેલાં પાકિસ્તાનના એ સમયના કૅપ્ટન સલમાન બટ તેમ જ પેસ બોલરો મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરના નામ સ્પૉટ-ફિક્સિંગ કાંડમાં બહાર આવ્યા હતા અને તેમને જેલની સજા થવા ઉપરાંત તેમના રમવા પર લાંબા સમયનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લૅન્ડે 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી છે. હવે બુધવાર, નવમી સપ્ટેમ્બરે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ શરૂ થાય એ પહેલાં પીસીબીએ ખેલાડીઓના મોબાઇલ પોતાના કબજામાં લેવાનું અભૂતપૂર્વ પગલું ભરતાં ફરી એક વખત બ્રિટિશ ધરતી પર પાકિસ્તાનના કોઈ ખેલાડીએ કોઈ પ્રકારનું ફિક્સિંગ કર્યું હોવાની અટકળ થવા લાગી છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પીસીબીએ પહેલી બે ટેસ્ટની ટીમમાંથી મોહમ્મદ રિઝવાન, ઇમામ ઉલ હક સહિતના સાત ખેલાડીને ટીમમાંથી કાઢી નાખ્યા હતા અને હેડ-કોચ સરફરાઝ અહમદ તેમ જ બોલિંગ-કોચ ઉમર ગુલની પણ હકાલપટ્ટી કરી હતી અને નવા ખેલાડીઓને ઇંગ્લૅન્હ મોકલ્યા હતા.
ખેલાડીઓ પાસેથી લઈ લેવામાં આવેલા મોબાઇલ તેમ જ અન્ય ઇલેકટ્રોનિક સાધનો 13મી સપ્ટેમ્બરે છેલ્લી ટેસ્ટ પૂરી થાય ત્યાં સુધી પીસીબીના કબજામાં રહેશે.