અમદાવાદ: શહેરમાં મિલકતમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે લાઈનમાં ઊભા નહીં રહેવું પડે. ઘરે બેઠા જ ઓનલાઈન સ્લોટ બુકિંગ થશે. શહેરની 7 ઝોનલ ઓફિસોમાં સ્માર્ટ ક્યૂ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આવી પહેલ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બની હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવાઓ પૂરી પાડવા માટે ડિજિટલ સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. જેના ભાગરૂપે હવે તત્કાલ મિલકતમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે નાગરિકો ઘરે બેઠા જ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ સ્લોટ બુક કરાવી શકશે.
ટૂંક સમયમાં તમામ સિવિક સેન્ટરોમાં પણ લાગુ કરાશે
મળતી વિગત પ્રમાણે, હાલમાં આ 'સ્માર્ટ ક્યૂ મેનેજમેન્ટ સિસ્ટમ' શહેરની 7 ઝોનલ ઓફિસોમાં શરૂ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેને તમામ 63 સિવિક સેન્ટરોમાં પણ લાગુ કરવામાં આવશે. ભવિષ્યમાં જન્મ-મરણના પ્રમાણપત્ર તેમજ યલો ફીવર વેક્સિનેશન જેવી આરોગ્ય સેવાઓ માટે પણ આ વ્યવસ્થા લાગુ કરવાનું આયોજન છે, જેથી નાગરિકોનો કિંમતી સમય બચી શકે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, AMC દ્વારા ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી સેવાઓ સુગમ બનાવવામાં આવી રહી છે. GlobalVox સાથે મળીને શરૂ કરાયેલી LogBook360 સિસ્ટમમાં QR કોડ આધારિત ચેક-ઇન, ડિજિટલ ટોકન જનરેશન અને લાઈવ ક્યૂ ડિસ્પ્લે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.
જે નાગરિકો અગાઉથી સ્લોટ બુક કર્યા વિના ઓફિસે પહોંચશે, તેમના માટે પણ કિયોસ્ક મારફતે તાત્કાલિક ટોકન મેળવવાની વ્યવસ્થા રખાઈ છે. ટોકન લીધા બાદ નાગરિકો આરામથી બેસીને ડિજિટલ સ્ક્રીન પર પોતાના વારાની સ્થિતિ જોઈ શકશે અને કાઉન્ટર પર જાહેરાત થતાં જ સરળતાથી કામ પતાવી શકશે.
કેવી રીતે સ્લોટ બુક કરાવી શકાશે
* AMCની વેબસાઈટ https://ahmedabadcity.gov.in/home પર જાઓ
* Citizen & City Service વિભાગમાં Online Appointment Booking for Tatkal Property Name Transfer Application પર ક્લિક કરો
* ભાષા પસંદ કર્યા બાદ તમારી લાગુ પડતી ઝનલ ઑફિસ પસંદ કરો
* એપોઈન્ટમેન્ટ માટે તારીખ અને સમય સ્લોટ પર ક્લિક કરો
* નામ અને મોબાઈલ નંબર દાખલ કરો
* OTP વેરીફાય કરીને સ્લોટ બુકિંગનું ટોકન મેળવો