મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી ખુશી કપૂરે મુંબઈના બાંદ્રા વેસ્ટ વિસ્તારમાં પોતાના માટે નવું ઘર ખરીદ્યું છે. ઓછા ભાવને કારણે ખુશી કપૂર ચર્ચાનું કારણ બની છે, ત્યારે જાણીએ પ્રોપર્ટી મૂલ્ય. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન સાથે જોડાયેલા દસ્તાવેજો અનુસાર ખુશી કપૂરે બાંદ્રા વેસ્ટમાં માત્ર 63 લાખ રૂપિયામાં એક ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટનો કાર્પેટ એરિયા 180 સ્ક્વેર ફૂટ છે, જ્યારે તેનો બિલ્ટ-અપ એરિયા 216 સ્ક્વેર ફૂટ હોવાનું સામે આવ્યું છે.
પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ મુજબ આ ફ્લેટ બાંદ્રા વેસ્ટના રોડ ક્રમાંક 25 ઉપર આવેલા સમતાદીપ બિલ્ડિંગમાં છે. બાંદ્રા વેસ્ટ મુંબઈના જૂના અને જાણીતા રહેણાક વિસ્તારોમાંનો એક છે. આ પરિસરમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ પણ રહે છે. ખુશી કપૂરે જે ફ્લેટ ખરીદ્યો છે તેનો કાર્પેટ એરિયા 180 સ્ક્વેર ફૂટ અને બિલ્ટ-અપ એરિયા 216 સ્ક્વેર ફૂટ છે. દસ્તાવેજો અનુસાર, આ પ્રોપર્ટી ડીલ 63 લાખ રૂપિયામાં થઈ છે.
પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ અનુસાર, ખુશી કપૂરે આ પ્રોપર્ટી ફારૂક ચગલા પાસેથી ખરીદી છે. આ ડીલ માટે ખુશીએ 3.15 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી પણ ચૂકવી છે. ફ્લેટનું રજિસ્ટ્રેશન 1 સપ્ટેમ્બર 2026ના રોજ કરવામાં આવ્યું હતું.
180 સ્ક્વેર ફૂટના કાર્પેટ એરિયાના હિસાબે જોવામાં આવે તો ખુશી કપૂરે આ પ્રોપર્ટી માટે પ્રતિ સ્ક્વેર ફૂટ આશરે 35 હજાર રૂપિયા ચૂકવ્યા છે. આ પ્રોપર્ટી ડીલ અંગે ખુશી કપૂર અને પ્રોપર્ટી વેચનાર ફારૂક ચગલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.
મુંબઈનો બાંદ્રા વેસ્ટ વિસ્તાર પોતાની પ્રાઇમ લોકેશન, સારી કનેક્ટિવિટી અને વિવિધ સુવિધાઓ માટે જાણીતો છે. આ વિસ્તારમાં પ્રોપર્ટીની માંગ પણ ઘણી વધારે છે. ખાસ કરીને બાંદ્રા અને પાલી હિલ મુંબઈના સૌથી જાણીતા અને પોશ રહેણાક વિસ્તારોમાં ગણાય છે. બોલિવૂડના અનેક મોટા કલાકારો અને કરોડપતિ લોકોના ઘર આ વિસ્તારમાં આવેલા છે. આવી સ્થિતિમાં ખુશી કપૂરે પણ મુંબઈના આ જાણીતા વિસ્તારમાં પોતાનું નવું ઘર ખરીદ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખુશી કપૂર ફિલ્મ નિર્માતા બોની કપૂર અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી છે. તેણે વર્ષ 2023માં ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી એક્ટિંગની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. હવે ખુશી કપૂર પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. તે પોતાની માતા શ્રીદેવીની ફિલ્મ 'મોમ'ની સિક્વલમાં જોવા મળશે.
આ ફિલ્મમાં ખુશી કપૂર સાથે કરિશ્મા તન્ના પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ રીતે, એક તરફ ખુશી કપૂર પોતાના બોલીવુડના કરિયરને આગળ વધારી રહી છે, તો બીજી તરફ તેણે મુંબઈમાં પોતાના નામે નવું ઘર પણ ખરીદ્યું છે.