વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે અમેરિકા બહુ જલદી ઇરાનના પિકએક્સ માઉન્ટેન પર હુમલો કરી શકે છે. પિકએક્સ માઉન્ટેન ઇરાનના સૌથી વધારે ક્ષતિગ્રસ્ત નતાંજ યૂરેનિયમ સંવર્ધન કેન્દ્રની પાસે છે. આ એક ઘણી સુરક્ષિત જગ્યા છે જ્યાં ઉંડાણમાં બે ટનલ કોમ્પ્લેક્સ છે. ટ્રમ્પના આ નિવેદન બાદ ક્ષેત્રીય તણાવ વધુ વધવાની આશંકા સેવાઇ રહી છે.
ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત દરમ્યાન ટ્રમ્પે એ પણ જણાવ્યું કે વિશેષ દૂત સ્ટીવ વિટકાફ અને જેરેડ કુશનર (ટ્રંપના જમાઇ) યૂક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાનો એક પ્રસ્તાવ રજૂ કરવા માટે રશિયા અને યૂક્રેન જઇ રહ્યા છે.
તો બીજી તરફ તેમણે ઇરાન વિરુદ્ધ ચાલી રહેલા અમેરિકી સૈન્ય અભિયાનનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ઇરાનને પરમાણુ હથિયાર પ્રાપ્ત કરતા રોકવાનો છે.
જો ઇરાનની પાસે પરમાણુ હથિયાર હોત તો ...
ટ્રંપે કહ્યું, "અમે પાંચ મહિનાથી આની પર કામ કરી રહ્યા છીએ અને તમે જાણો છો કે પાંચ મહિનામાં શું કર્યું? અમે સુનિશ્ચિત કર્યું કે તેમની પાસે પરમાણુ હથિયાર ન હોય , ઇરાનની પાસે પરમાણુ હથિયાર નહીં હોય કારણ કે જો તેમની પાસે હોત તો કદાચ તમે વધારે સમય સુધી અહીં ઉભા ન હોત'
જો કંઇ ખોટું થયું તો..
ટ્રંપે ચેતવણી આપતા કહ્યું કે અમેરિકા ઇરાનના અત્યાધુનિક કિલ્લેબંધ ભૂગર્ભ પરમાણુ સ્થળ, જેને પિકએક્સ માઉન્ટેન નામથી ઓળખાય છે, અમેરિકી જાસૂસી એજન્સીઓ તે જગ્યાની ગતિવિધિઓ પર ખુબ જ બારીકાઇથી નજર રાખી રહી છે. જો ત્યાં કોઇપણ પ્રકારની પ્રવૃતિની ખબર પડે છે તો તેને નિશાન બનાવી શકાય છે.
ટ્રંપે આગળ કહ્યું કે અમને ખબર છે કે પિકએક્સમાં કોણ આવ જા કરી રહ્યું છે, અમને આખા ઇરાનમાં દરેક ગતિવિધિની જાણકારી છે. જો કંઇ ખોટું થયું તો અમે ભીષણ હુમલો કરીશું.