Mon Sep 07 2026

Logo

ટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં આગેકૂચ

2026-09-04 19:55:40
Author: Ramesh Gohil
ટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે કોપર સહિતની ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ માત્ર લીડ ઈન્ગોટ્સ અને નિકલમાં જોવા મળેલા અનુક્રમે કિલોદીઠ રૂ. ચાર અને રૂ. પાંચના ઘટાડા તથા કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી અને વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી 24નો સુધારો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે કિલોદીઠ ટીનના ભાવ રૂ. 24 વધીને રૂ. 5334, કોપર વાયરબારના ભાવ રૂ. નવ વધીને રૂ. 1442, કોપર સ્ક્રેપ હેવી, બ્રાસ શીટ કટિંગ્સ અને ઝિન્ક સ્લેબના ભાવ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. 1358, રૂ. 985 અને રૂ. 435, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર આર્મિચરના ભાવ રૂ. ચાર વધીને અનુક્રમે રૂ. 1369 અને રૂ. 1346 અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ રૂ. એક વધીને રૂ. 355ના મથાળે રહ્યા હતા. 

જોકે, આજે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને નિરસ માગે નિકલના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. 1628 અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ચાર ઘટીને રૂ. 200ના મથાળે રહ્યા હતા, જ્યારે છૂટીછવાઈ માગને ટેકે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 1255, રૂ. 945 અને રૂ. 307ના મથાળે ટકેલા રહ્યા હતા.