નેપાળમાં ભારે વરસાદ અને પૂર વચ્ચે વધુ એક મોટી કુદરતી આફત તોળાઈ રહી છે. ધારચુલા જિલ્લામાં મોટા પાયે થયેલા ભૂસ્ખલનને કારણે ચૌલાની નદીનો પ્રવાહ આંશિક રીતે અવરોધાયો છે.
ભટ્ટારમાં મોટું ભૂસ્ખલન, નદીનો પ્રવાહ પ્રભાવિત
દારચુલા જિલ્લાના અપી હિમાલ ગ્રામીણ નગરપાલિકા ક્ષેત્રના ભટ્ટારમાં આ ભૂસ્ખલન થયું છે. પહાડમાંથી મોટા પ્રમાણમાં કાટમાળ સરકીને ચૌલાની નદીમાં પડ્યો છે, જેના કારણે નદીનો પ્રવાહ પ્રભાવિત થયો છે. પ્રશાસને નદીના કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વિશેષ સાવચેતી રાખવાની અપીલ કરી છે.
મુખ્યમંત્રીએ હાઈ એલર્ટ પર રહેવાના નિર્દેશ આપ્યા
સુદૂરપશ્ચિમ પ્રદેશના મુખ્યમંત્રી ખગરાજ ભટ્ટે સ્થાનિક પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવાના નિર્દેશ આપ્યા છે. તેમણે અધિકારીઓને કોઈપણ સંભવિત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારી રાખવા જણાવ્યું છે.
સશસ્ત્ર પોલીસ બળે જણાવ્યું કે હાલ ચૌલાની નદીનું જળસ્તર સામાન્ય છે. જોકે, સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ચૌલાની નદી મહાકાળી નદીમાં મળે છે
ચૌલાની નદીને ચમેલિયા નદીના નામે પણ ઓળખવામાં આવે છે. આ નદી અપી હિમાલ ક્ષેત્રમાંથી નીકળે છે અને આગળ વધીને મહાકાળી નદીમાં મળી જાય છે. મહાકાળી નદી નેપાળ અને ભારત વચ્ચેની સરહદનો એક ભાગ બનાવે છે. આ સ્થિતિમાં, ચૌલાની નદીમાં અચાનક પૂર આવવાની સંભાવના સરહદ સાથે જોડાયેલા નીચાણવાળા વિસ્તારો માટે પણ ચિંતાનો વિષય બની શકે છે.
નેપાળમાં પહેલેથી જ પૂર અને ફ્લેશ ફ્લડનો કહેર
ચૌલાની નદીમાં ભૂસ્ખલન અને સંભવિત પૂરનું જોખમ એવા સમયે સામે આવ્યું છે જ્યારે નેપાળના ઘણા વિસ્તારો તાજેતરના ભયાનક પૂર અને ફ્લેશ ફ્લડથી પ્રભાવિત છે. રાહત, બચાવ અને પુનર્વસનનું કામ હજુ પણ ચાલુ છે.
સરકારના પ્રાથમિક અહેવાલ મુજબ, નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરથી 32 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે.
પૂરથી મૃત્યુ પામેલાની સંખ્યા વધી 1,295 થઇ
નેપાળમાં અચાનક આવેલા પૂરથી મરનારાની સંખ્યા વધીને 1,295 થઇ ગઇ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ મૃતદેહો મળ્યા બાદ મૃતકોની સંખ્યામાં વધારો થયો. રાહત અને બચાવ એજન્સીઓ પ્રભાવિત વિસ્તારોમાં સતત અભિયાન ચલાવી રહી છે.
ભારે વરસાદે વધારી ચિંતા
નેપાળમાં સતત બનેલી આપત્તિની સ્થિતિ વચ્ચે ચૌલાની નદીનો આંશિક રીતે અવરોધાવું પ્રશાસન માટે એક નવો પડકાર બની ગયો છે. હાલમાં નદીનો પ્રવાહ સામાન્ય હોવાનું જણાવાઈ રહ્યું છે, પરંતુ અધિકારીઓને ડર છે કે જો ભારે વરસાદ સાથે વધુ ભૂસ્ખલન થશે તો નદીનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ શકે છે.