Sat Sep 05 2026

Logo

મુંબઈ સેન્ટ્રલનો ઑર્કિડ મૉલ તાત્કાલિક ખાલી કરો: બીએમસીનો આદેશ

2026-09-03 22:29:13
Author: Sapna Desai
મુંબઈ સેન્ટ્રલનો ઑર્કિડ મૉલ તાત્કાલિક ખાલી કરો: બીએમસીનો આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: સુપ્રીમ કોર્ટના આદેશને પગલે મુંબઈ સેન્ટ્રલ પરિસરમાં બેલાસિસ રોડ પર આવેલા ઑર્કિડ સિટી સેન્ટર મૉલને તાત્કાલિક ધોરણે બંધ કરીને તેને ખાલી કરી દેવાની સૂચના મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. પાલિકાએ  મૉલના ગાળા ધારકો, યુનિટ્સ અને દુકાનના માલિક, ડેવલપર, રહેવાસીઓ તથા તેનો વપરાશ કરનારા લોકોને નોટિસ મોકલી છે. તેમ જ મંજૂરી મળ્યા વગર મૉલના પરિસરમાં પ્રવેશ કરવો નહીં એવી સ્પષ્ટ સૂચના પણ આપી છે.

મુંબઈ મહાનગરપાલિકાએ ફાયર સેફ્ટી સિસ્ટમને પણ સંર્પૂર્ણપણે સમારકામ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરીને પાલિકાના ‘ડી’ વોર્ડે  પહેલી સપ્ટેમ્બરના રોજ એક ઔપચારિક નોટિસ જારી કરી હતી, જેમાં દુકાન માલિકો, કબજેદારો અને મુલાકાતીઓ સહિત કોઈપણ દ્વારા સમગ્ર ઇમારતમાં પ્રવેશ, ઉપયોગ અથવા કબજો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ અગાઉ પાલિકાના ‘ડી’ વોર્ડ દ્વારા એક મીટિંગ લેવામાં આવી હતી, જેમાં પાલિકાના સંબંધિત વિભાગના અધિકારી, નાગપાડા પોલીસ સ્ટેશન, બેસ્ટ ઉપક્રમ તેમ જ ઑર્કિડ સીટી સેન્ટર મૉલ સાથે સંબંધિત પ્રતિનિધિ હાજર રહ્યા હતા. આ મીટિંગમાં સુપ્રીમ કોર્ટના આદેશનું સખતાઈપૂર્વક પાલન કરવાની સૂચના મૉલના પ્રતિનિધિઓને આપવામાં આવી હતી.

નોંધનીય છે કે મુંબઈ સેન્ટ્રલના બેલાસિસ રોડ પર આવેલા ઑર્કિડ સિટી સેન્ટર મૉલમાં ૨૦૨૦માં આગ લાગી હતી, તેના અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટે ૨૫ ઑગસ્ટ, ૨૦૨૬ના નિર્દેશ આપ્યા હતા. આગને કારણે નુકસાન થયેલા આ મૉલની આખી બિલ્ડિંગની ડેવલપર દ્વારા તમામ બાજુથી પૂર્ણ સમારકામ થાય નહીં ત્યાં સુધી કોઈ પણ કારણ માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં.

જયા સુધી તમામ માળ સહિત આખી બિલ્િંડગમાં તમામ પ્રકારના કામ પૂર્ણ થઈને તે જયાં સુધી સુરક્ષિત હોવાનું તેમ જ તમામ શરતોનું પાલન કરવામાં આવતું નથી ત્યાં સુધી બિલ્િંડગનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરી શકાશે નહીં. આ બિલ્િંડગ સંપૂર્ણપણે બંધ રાખીને તેમાં કોઈને પણ પ્રવેશ આપવો નહીં એવું પણ સુપ્રીમ કોર્ટે પોતાના નિર્દેશમાં કહ્યું છે.

સુપ્રીમના આદેશને પગલે ઑર્કિડ સિટી સેન્ટર મૉલમાં કાર્યવાહીના ભાગ રૂપે મૉલનો પાણી અને વીજપુરવઠો ખંડિત કરવામાં આવશે, આ કાર્યવાહી દરમ્યાન કાયદા-વ્યવસ્થા જાળવી રાખવા માટે નાગપાડા પોલીસને સંરક્ષણ આપવાની સૂચના પણ  આપવામાં આવી છે.