(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવ દરમ્યાન મોટી સંખ્યામાં ગણેશભક્તોની ભીડ થતી હોવાથી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમે સ્પેશિયલ બસ દોડાવવાનો નિર્ણય લીધો છે.
ગૌરી વિસર્જન પછી અનંત ચતુર્દશી સુધી વિવિધ વિસ્તારોમાં ગણેશ ભક્તોનો ભારે ધસારો હોવાથી મુસાફરોની સુવિધા માટે બેસ્ટે રાત્રિ વિશેષ બસો ચલાવવાનું આયોજન કર્યું છે. ૧૪ સપ્ટેમ્બરથી ૨૪ સપ્ટેમ્બર સુધી આ બસો રાતના ૧૦.૩૦ થી સવારે છ વાગ્યા સુધી વિવિધ રૂટ પર દોડાવવામાં આવશે.
બેસ્ટ પ્રશાસને ખાસ કરીને પરેલ, લાલબાગ, ગિરગાંવ અને ખેતવાડી વિસ્તારોમાં ગણેશોત્સવના ધસારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાત્રે વિસર્જન સ્થળોએથી ગણેશ ભક્તોને ઘરે પાછા લઈ જવા માટે ૧૦ બસ રૂટ પર કુલ ૨૬ બસો દોડાવવામાં આવશે. આમાં એ-ફોર રૂટ પર ડો. એમ. ઇસ્માઇલ ચોકથી ઓશિવરા ડેપો, એ-આઠ રૂટની છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી શિવાજી નગર ટર્મિનસ, એ-૨૧ નંબરની છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી દેવનાર ડેપો અને બાંદ્રા ડેપોથી રાણી એ-૨૧ રૂટ પર વધારાની બસ સેવાઓ પૂરી પાડવામાં આવશે.
ઉપરાંત એ-૪૨ કમલા નહેરુ ઉદ્યાન-મહારાણા પ્રતાપ ચોક (મઝગાંવ), એ-૪૪ વરલી ડેપો-શ્રવણ યશવંત ચોક (કાલા ચોકી), ૫૧ ઇલેક્ટ્રિક હાઉસ-સાંતાક્રુઝ ડેપો, ૬૪ દાદર રેલવે સ્ટેશન (પૂર્વ) - શ્રવણ યશવંત ચોકી (પૂર્વ), છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-રાણી લક્ષ્મીબાઈ ચોક (સાયન) અને ૬૯ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ચોક (મ્યુઝિયમ)-પ્રબોધનકાર ઠાકરે ઉદ્યાન (શિવાજી પાર્ક)નો સમાવેશ થાય છે.