Mon Oct 05 2026

Logo

મહારાષ્ટ્રમાં ૧૫ ઓક્ટોબરથી સાકરની પિલાણ સિઝન શરૂ કરવાનો મહત્વનો નિર્ણય

2026-09-09 21:33:08
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રમાં ૧૫ ઓક્ટોબરથી સાકરની પિલાણ સિઝન શરૂ કરવાનો મહત્વનો નિર્ણય

મુંબઈ: સાકરના વધતા ભાવો વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની સાકરની પિલાણ સીઝન આ વર્ષે ૧૫ ઓક્ટોબરથી શરૂ થશે. રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હોવાની માહિતી મળી છે.

દેશમાં સાકરની અછત સર્જાઈ હતી, જેના કારણે છૂટક બજારમાં સાકરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં સાકરનો ભાવ વધીને રૂ. ૭૦ થી ૭૫ પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો. 

બીજી તરફ, કારખાના સંચાલકોનું એવું વલણ હતું કે નવેમ્બર પહેલાં પિલાણ સીઝન શરૂ કરવી ખેડૂતો અને શુગર ફેક્ટરીઓ બંને માટે નુકસાનકારક છે. આવી સ્થિતિ વચ્ચે હવે મુખ્યપ્રધાને મોટો નિર્ણય લીધો અને રાજ્યમાં સાકરની પિલાણ સીઝન આ વર્ષે ૧૫ ઓક્ટોબરથી શરૂ થવાની માહિતી સામે આવી છે. જોકે, ખેડૂતો અને ઉત્પાદકોએ આનો વિરોધ કર્યો છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બેઠક યોજી હતી, જેમાં શેરડીની પિલાણ સીઝન ક્યારે શરૂ કરવી તે નક્કી કરવામાં આવ્યું હતું. વિવિધ કારણોસર, ગત સીઝનમાં સાકરનું ઉત્પાદન ઘટ્યું હતું, જેના કારણે ભાવ ઊંચા રહ્યા હતા. 

આ વર્ષે પિલાણ સીઝન વહેલી શરૂ કરવામાં આવી છે. દર વર્ષે, પિલાણ સીઝન નવેમ્બર મહિનામાં શરૂ થાય છે. જોકે, આ વર્ષે સરકાર ૧૫ ઓક્ટોબરથી સાકર ફેક્ટરીઓની મશીનરી શરૂ કરવાનો ઇરાદો ધરાવે છે.