લોકલ ટ્રેન એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને કરોડો પ્રવાસીઓ લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે. હવે આ લાખો મુંબઈગરા માટે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈની લાઈફ લોકલ ટ્રેનમાં દરરોજ મુસાફરી કરતા લાખો પ્રવાસીઓ માટે રેલવે પ્રશાસને ટિકિટ અને પાસ બુકિંગની પ્રક્રિયા વધુ સરળ અને ડિજિટલ બનાવી છે. હવે પ્રવાસીઓ ‘રેલવન’ (RailOne) એપ દ્વારા માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ પોતાના પરિવારના સભ્યો કે અન્ય મુસાફરો માટે પણ લોકલ ટ્રેનનો સીઝન પાસ બુક કરાવી શકશે.
રેલવે બોર્ડની મંજૂરી બાદ સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ (CRIS) દ્વારા આ અંગે સત્તાવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ નવી સુવિધા હેઠળ એક યુઝર પોતાના સહિત વધુ ૫ વ્યક્તિઓ માટે પાસ બુક કરી શકશે.
પીડીએફ શેરિંગ અને ફોટો-ક્યૂઆર કોડના કડક નિયમો:
એપ પરથી અન્ય વ્યક્તિ માટે કઢાવેલો પાસ પીડીએફ ફોર્મેટમાં સંબંધિત મુસાફર સાથે મોબાઈલ પર શેર કરી શકાશે.
શેર કરેલા ડિજિટલ પાસ પર પ્રવાસીનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સ્પષ્ટ QR કોડ દેખાવો અનિવાર્ય છે. ચેકિંગ દરમિયાન પાસ પરના ફોટો અને મુસાફરના ચહેરામાં તફાવત જણાશે તો દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
માત્ર બુકિંગની પહોંચ, યુટીએસ (UTS) ના જૂના કાગળના પાસની ઝેરોક્ષ કે મેસેજ બતાવીને મુસાફરી કરી શકાશે નહીં; મોબાઈલમાં અસલ માન્ય ડિજિટલ પાસ હોવો જરૂરી છે.
પાસની વેલિડિટી અને ઉંમર મર્યાદાના નિયમો:
જો પ્રવાસી પોતાના માટે પાસ બુક કરે છે, તો તેની વેલિડિટી બુકિંગના દિવસથી જ શરૂ થઈ જશે. પોતાના માટે પાસ કાઢનાર વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. જો અન્ય મુસાફર માટે પાસ કઢાવવામાં આવે, તો તેની માન્યતા બુકિંગના બીજા દિવસથી શરૂ થશે. અન્ય વ્યક્તિ માટે પાસ કઢાવતી વખતે સંબંધિત મુસાફરની ઉંમર ઓછામાં ઓછી પાંચ વર્ષ હોવી જરૂરી છે.
ટીટીઈ માટે અપડેટેડ ડિજિટલ ડિવાઈસ:
લોકલ ટ્રેનોમાં ડિજિટલ પાસની તપાસ ઝડપી અને સચોટ બને તે માટે ટિકિટ ચેકિંગ સ્ટાફને આધુનિક હેન્ડહેલ્ડ સ્કેનિંગ મશીન અને ઉપકરણો પૂરા પાડવામાં આવ્યા છે, જેથી QR કોડ સ્કેન કરીને ક્ષણભરમાં પાસની સત્યતા ચકાસી શકાય.