Mon Oct 05 2026

Logo

લોઅર પરેલની સેન્ચુરી મિલની જમીન ખાનગી ડેવલપરને લીઝ પર આપવાનો વિરોધ

2026-09-05 07:59:00
Author: Sapna Desai
લોઅર પરેલની સેન્ચુરી મિલની જમીન ખાનગી ડેવલપરને લીઝ પર આપવાનો વિરોધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોઅર પરેલમાં પ્રાઇમ સેન્ચુરી મિલની જમીન ખાનગી ડેવલપરને ૩૦ વર્ષ માટે લીઝ પર આપવાના પ્રસ્તાવ સામે ફરી વિરોધ થયો છે. આગામી અઠવાડિયે  પાલિકાની સામાન્ય સભામાં આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળે તે પહેલાં જ કોંગ્રેસે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. પક્ષે આક્ષેપ કર્યો છે કે  ૧૩,૦૦૦ કરોડ રૂપિયાની અંદાજિત  જમીનને પાલિકા ફક્ત  ૧,૩૦૦ કરોડ રૂપિયામાં લીઝ પર આપી રહી છે. પક્ષે એવી માગણી પણ કરી છે કે શું પાલિકા પોતે આ મિલકતનો વિકાસ કરી શકે છે અને મુંબઈ માટે તેનું લાંબા ગાળાનું નાણાકીય અને જાહેર મૂલ્ય સુરક્ષિત કરી શકે છે કે કેમ તેનું વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવે.

પાલિકાએ લોઅર પરેલમાં તેના ૨૩,૮૨૨ ચોરસ મીટર સેન્ચુરી મિલ્સ પ્લોટ માટે સૌથી વધુ બોલી લગાવનાર તરીકે મેસર્સ પેડર રિયલ્ટી લિમિટેડને પસંદ કરી છે, જેમાં ૩૦ વર્ષના ભાડાપટ્ટા હેઠળ  ૧,૩૫૧ કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે, જે જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) મોડેલ દ્વારા વધુ ૩૦ વર્ષ માટે લંબાવી શકાય છે. આ પુનર્વિકાસથી ભૂતપૂર્વ મિલ-કામદારોના પરિવારોને કાયમી ઘરો મળશે. જોકે કોંગ્રેસ અને શિવસેના (યુબીટી) ના વિરોધ બાદ પણ આ પ્રસ્તાવને સુધાર  સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને હવે તેને અંતિમ મંજૂરી માટે સભાગૃહ સમક્ષ મૂકવામાં આવવાનો છે.

પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડે અને મેયર રિતુ તાવડેને લખેલા પત્રમાં કૉંગ્રેસના પાલિકાના નેતા અશરફ આઝમીએ માગણી કરી હતી કે પાલિકા પ્રસ્તાવિત લીઝને મુલતવી રાખે. તેમણે કહ્યું હતું કે ૬.૧૭ એકરનો સેન્ચ્યુરી મિલ પ્લોટ પર પાંચની એફએસઆઈ સાથે લગભગ ૧૩ લાખ ચોરસ ફૂટ જમીન મેળવી શકે છે, જેની અંદાજિત કુલ વિકાસ કિંમત  ૧૩,૦૦૦ કરોડ રૂપિયા થાય છે. પાલિકાએ જમીન પાછી મેળવવા માટે દાયકાઓ સુધી લડત ચલાવી હતી અને હવે  તે મુંબઈ માટે લાભ જાળવી રાખવાને બદલે તેના અંદાજિત મૂલ્ય કરતા મામૂલી રકમે જમીન ખાનગી ડેવલપરને કેમ સોંપી રહી છે?

ડિસેમ્બર ૨૦૦૬માં સેન્ચ્યુરી મિલ્સ બંધ થયાના લગભગ ૨૦ વર્ષ પછી, ૪૭૬ ભૂતપૂર્વ મિલ-કામદાર પરિવારો આખરે કાયમી પુનર્વસન માટે તૈયાર છે. પ્રસ્તાવિત પુનર્વિકાસમાં એક બહુમાળી રહેણાક સંકુલ હશે, જેમાં પાત્ર પરિવારો માટે લગભગ ૪૦૫ ચોરસ ફૂટ પુનર્વસન ફ્લેટ અને પાલિકાને આવક ઊભી કરવા  કરવા માટે ખુલ્લા બજારમાં વેચાણ માટે વધારાના એકમો હશે. 

આ પ્લોટ મૂળ ૧૯૨૭માં સેન્ચ્યુરી સ્પિનિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ લિમિટેડને ભાડે આપવામાં આવ્યો હતો. ૧૯૫૫ માં લીઝ સમાપ્ત થયા પછી, કંપનીએ જમીન જાળવી રાખવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પાલિકા સાથે કાનૂની લડાઈ શરૂ થઈ. જાન્યુઆરી ૨૦૨૫માં સુપ્રીમ કોર્ટે પાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.