Tue Oct 06 2026

Logo

પરિવહન પ્રધાનની ઓટો-ટેક્સી ચાલકોને ચેતવણી: મરાઠી શીખો અથવા કાર્યવાહી માટે રહેજો તૈયાર!

2026-10-05 18:00:39
Author: Mumbai Samachar Team
પરિવહન પ્રધાનની ઓટો-ટેક્સી ચાલકોને ચેતવણી: મરાઠી શીખો અથવા કાર્યવાહી માટે રહેજો તૈયાર!

મુંબઈઃ મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે 'મહારાષ્ટ્ર માઝા! મરાઠી માઝી સંવાદ ભાષા' કાર્યક્રમ દરમિયાન ઓટો અને ટેક્સી ચાલકોને કહ્યું હતું કે તેમણે મળેલી વધારાની મુદતનો ગેરલાભ ન લેવો જોઈએ, પરંતુ તેના બદલે આ સમયગાળાનો ઉપયોગ ભાષા શીખવા માટે કરવો જોઈએ.

પ્રધાને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં વ્યવસાય કરતી વખતે સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા માટે મરાઠી ભાષા શીખવી એ માત્ર એક અપેક્ષા નથી, પરંતુ એક સામાજિક જવાબદારી છે. 

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે રાજ્યમાં રિક્ષા, ટેક્સી અને એપ-આધારિત પેસેન્જર વાહનો ચલાવતા બિન-મરાઠી ભાષી ચાલકોએ બહાના આગળ ધરીને આ ભાષા શીખવાની અવગણના ન કરવી જોઈએ. તેમણે આવા તમામ ચાલકોને ‘મહારાષ્ટ્ર માઝા! મરાઠી માઝી સંવાદ ભાષા!’ અભિયાનના બીજા તબક્કામાં ભાગ લેવા અને વ્યવહારિક મરાઠી ભાષા શીખવા અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે 'હિન્દુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મરાઠી ભાષા અભિયાન'નું આયોજન પરિવહન વિભાગ, રાજ્ય મરાઠી વિકાસ સંસ્થા અને કોંકણ મરાઠી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યું છે જેનો ઉદ્દેશ્ય મહારાષ્ટ્રમાં રહેતા અને કામ કરતા તથા સ્થાનિક નાગરિકો સાથે રોજિંદો સંપર્ક ધરાવતા દરેક વાહનચાલકને નાગરિકો સાથે મરાઠી ભાષામાં આત્મવિશ્વાસપૂર્વક વાતચીત કરવા માટે સક્ષમ બનાવવાનો છે.

દરમિયાન, અમુક રિક્ષા અને ટેક્સી એસોસિએશનોની માંગણીઓને પગલે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વ્યવહારુ મરાઠી ભાષાના જ્ઞાન અંગેના સુધારેલા કાયદાના અમલીકરણને ૧૮ ઓગસ્ટ, ૨૦૨૭ સુધી મુલતવી રાખ્યું છે.

સરનાઈકે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ૧૮ ઓગસ્ટ, ૨૦૨૭ પછી કાયદાનો અમલ શરૂ થયા બાદ કોઈ બહાનાં કે વધુ મુદત આપવામાં આવશે, તેવું માનવું નહીં. તેથી, "આજે મરાઠી શીખો, આવતીકાલની કાર્યવાહી ટાળો" એવો સ્પષ્ટ સંદેશ આપીને પ્રધાન સરનાઈકે મરાઠી ન જાણતા વાહનચાલકોને આ અભિયાનના બીજા તબક્કામાં મોટી સંખ્યામાં ભાગ લેવા હાકલ કરી છે.