Mon Oct 05 2026

Logo

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં મહાયુતિનો મોટો નિર્ણય: ઔરંગાબાદ ગ્રેજ્યુએટ બેઠક પર રાષ્ટ્રવાદીના ઉમેદવાર જાહેર કરાયા

2026-10-05 17:21:58
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં મહાયુતિનો મોટો નિર્ણય: ઔરંગાબાદ ગ્રેજ્યુએટ બેઠક પર રાષ્ટ્રવાદીના ઉમેદવાર જાહેર કરાયા

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીને લઈને મહાયુતિમાં બેઠકોની વહેંચણી બાદ સુનેત્રા પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ઔરંગાબાદ ગ્રેજ્યુએટ મતદારસંઘ માટે સતીશ ભાનુદાસરાવ ચવ્હાણને ઉમેદવાર જાહેર કર્યા છે. એનસીપીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ સતીશ ચવ્હાણની ઉમેદવારીની સત્તાવાર જાહેરાત કરી છે.

સતીશ ચવ્હાણ અગાઉ પણ ઔરંગાબાદ ગ્રેજ્યુએટ મતદારસંઘનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેઓ અગાઉ એનસીપી સાથે હતા અને હવે અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીમાં સામેલ થયા છે. તેમની વર્તમાન મુદત 6 ડિસેમ્બર 2026ના પૂર્ણ થવાની છે. 

મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠકો માટે 23 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં ઔરંગાબાદ, પુણે અને નાગપુરની ત્રણ ગ્રેજ્યુએટ બેઠક તથા અમરાવતી અને પુણેની બે શિક્ષક મતદારસંઘની બેઠકોનો સમાવેશ થાય છે. આ ચૂંટણીની મતગણતરી 27 ઓક્ટોબરે થશે.

મહાયુતિમાં થયેલી બેઠક વહેંચણી મુજબ ઔરંગાબાદ ગ્રેજ્યુએટ બેઠક એનસીપીના ફાળે ગઈ છે. ભાજપ ત્રણ બેઠકો પર અને શિવસેના એક બેઠક પર ચૂંટણી લડશે. ઔરંગાબાદ બેઠક એનસીપીને આપવાનો નિર્ણય મહાયુતિના સીટ-શેરિંગ ફોર્મ્યુલા હેઠળ લેવામાં આવ્યો છે. સતીશ ચવ્હાણની ઉમેદવારી સાથે ઔરંગાબાદ ગ્રેજ્યુએટ બેઠકની ચૂંટણીમાં હવે રાજકીય હિલચાલ વધી છે. 

બીજી તરફ મહાવિકાસ આઘાડીમાં આ બેઠકને લઈને હજી પણ સહમતીની પ્રક્રિયા ચાલી રહી છે અને એનસીપી શરદચંદ્ર પવાર તથા શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ બંને તરફથી દાવેદારીની ચર્ચા છે.