શિમલાઃ હિમાચલ પ્રદેશમાં ચોમાસા દરમિયાન ડેમની સુરક્ષાને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. રાજ્ય ડેમ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન (SDSO)ની વર્ષ 2025-26ના વાર્ષિક રિપોર્ટમાં રાજ્યના ત્રણ ડેમને કેટેગરી-2માં રાખવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશના ગિરી જટોન બેરેજ, મલાણા-2 અને મલાણા-1માં સુરક્ષા સંબંધિત વિવિધ ખામીઓ નોંધાઈ છે. જોકે, રિપોર્ટમાં તાત્કાલિક ડેમ તૂટવાનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ આ ત્રણેય ડેમમાં સતત દેખરેખ અને સમયબદ્ધ સુધારાત્મક કામગીરીની જરૂરિયાત સ્પષ્ટ કરવામાં આવી છે.
બેરેજના કેટલાક માળખાકીય ભાગોમાં તિરાડો પણ મળી
ત્રણેયમાંથી ગિરી જટોન બેરેજની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. તપાસ દરમિયાન એક બેરેજ પિયરનાં એક્સપાન્શન જોઈન્ટ પાસે અસમાન ધસારો (ડિફરન્શિયલ સેટલમેન્ટ) જોવા મળ્યો હતો. આ સ્થિતિ પર નજર રાખવા માટે લગાવવામાં આવેલું ઇન્સ્ટ્રુમેન્ટ હાલમાં કાર્યરત નથી. આ ઉપરાંત ડાઉનસ્ટ્રીમ પ્રોટેક્શન વર્કમાં ધોવાણ જોવા મળ્યું છે.
અનેક સ્થળે કૉન્ક્રિટ બ્લોક અને કર્ટન વૉલ ખસી ગયાં હોવાનું નોંધાયું છે. બેરેજના કેટલાક માળખાકીય ભાગોમાં તિરાડો પણ મળી આવી છે. રિપોર્ટમાં આ ખામીઓના તાત્કાલિક ઉપચાર સાથે નજીકથી સતત મોનિટરિંગ કરવાની ભલામણ કરવામાં આવી છે. ઇમરજન્સી વૉર્નિંગ સિસ્ટમના પાલન અંગેનો રિપોર્ટ પણ હજુ બાકી છે.
લાંબા સમયથી બાકી હોવાથી મલાણા-2ને કેટેગરી-2માં સામેલ
મલાણા-2 હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં વધારાના સ્પિલવેનું નિર્માણ અને ડેમના રેડિયલ ગેટના હાઇડ્રોલિક હોઇસ્ટ બદલવાનું કામ હજુ પૂર્ણ થયું નથી. ખાસ કરીને વધારાનો સ્પિલવે પૂર દરમિયાન વધારાના પાણીના નિકાલ અને ડેમની એકંદર સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાયો છે. હાલ વધારાના અનગેટેડ સ્પિલવેનું કામ ચાલી રહ્યું છે અને તેની પૂર્ણતાની અપેક્ષિત તારીખ જુલાઈ 2027 આપવામાં આવી છે. આ કામકાજ લાંબા સમયથી બાકી હોવાથી મલાણા-2ને કેટેગરી-2માં સામેલ કરવામાં આવ્યો છે.
આર્થિક નુકસાનનો 200થી 400 કરોડનો અંદાજ
મલાણા-1માં પણ અનેક સુરક્ષા અને પુનઃસ્થાપન કામગીરી ચાલી રહી છે. બેલેન્સિંગ રિઝર્વોયરની રિટેનિંગ વૉલના સમારકામ અને પુનર્વસનનું કામ ચાલુ છે. ક્ષતિગ્રસ્ત બ્લોક અને ડાયવર્ઝન ચેનલનું પુનઃનિર્માણ પણ થઈ રહ્યું છે, જે 31 ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે આ જ ડેમમાં 1 ઓગસ્ટ 2025ના ફ્લેશ ફ્લડની ઘટના બની હતી. લગભગ ચાર કલાક ચાલેલી આ ઘટનામાં 100થી 150 ક્યુમેક પાણી છોડવામાં આવ્યું હતું અને ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં ખેતીની જમીનને નુકસાન થયું હતું. જોકે, કોઈ જાનહાનિ, પશુધનનું નુકસાન કે સ્થળાંતર થયું નહોતું. આ ઘટનાથી થયેલા આર્થિક નુકસાનનો અંદાજ રૂ. 200થી 400 કરોડ મૂકવામાં આવ્યો છે.
ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં રહેતા લોકોને ચેતવણી આપી
રિપોર્ટ અનુસાર ઘટનાનું કારણ બ્લોક ફાઉન્ડેશનની પાછળ થયેલું સ્કૉરિંગ હતું. ઘટના દરમિયાન સ્પિલવે અને ગેટ ખુલ્લા હતા. ઈમરજન્સી એક્શન પ્લાન (EAP) સક્રિય કરીને ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી હતી. ઘટના બાદ પુનઃસ્થાપન અને ઉપચારાત્મક કામગીરી પાછળ આશરે રૂ. 200 કરોડ ખર્ચવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ ગુરુવારે વિધાનસભામાં વર્ષ 2025-26ની ડેમ સેફ્ટી વાર્ષિક રિપોર્ટ રજૂ કરી હતી. રિપોર્ટ મુજબ SDSOના અધિકારક્ષેત્રમાં કુલ 17 નિર્દિષ્ટ ડેમ છે. તેમાં 15 ડેમ કાર્યરત છે, જ્યારે બે ડેમનું નિર્માણ ચાલી રહ્યું છે.
11 ડેમમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન સંપૂર્ણ રીતે સ્થાપિત અને કાર્યરત
15 કાર્યરત ડેમના પ્રી-મોન્સૂન અને પોસ્ટ-મોન્સૂન બંને તબક્કાના નિરીક્ષણ બાદ ત્રણ ડેમ કેટેગરી-2 અને 11 ડેમ કેટેગરી-3માં રહ્યા. 12 ડેમમાં કોઈ મોટી ખામી નોંધાઈ નથી. કેટેગરી-3માં રહેલા ડેમોમાં લારજી, બાજોલી-હોલી, કરચમ, બાસ્પા-II, અલ્લાઇન, બુધિલ, સૈંજ, સાવડા કુડ્ડુ, ચાંજુ-I, ન્યૂગલ અને કુટેહરનો સમાવેશ થાય છે. ડેમની અંદર થતી સીપેજ, ડિફોર્મેશન, અપલિફ્ટ પ્રેશર અને માળખાકીય વર્તનમાં થતા ફેરફારોને સમયસર ઓળખવા માટે ઇન્સ્ટ્રુમેન્ટેશન મહત્વપૂર્ણ છે. રિપોર્ટ મુજબ 11 ડેમમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન સંપૂર્ણ રીતે સ્થાપિત અને કાર્યરત છે. એક ડેમમાં સિસ્ટમ સ્થાપિત હોવા છતાં તે હાલમાં કાર્યરત નથી, જ્યારે ત્રણ ડેમમાં આ વ્યવસ્થા આંશિક છે. જોકે, કોઈ પણ ડેમમાં ઈન્સ્ટ્રુમેન્ટેશન સંપૂર્ણપણે ગેરહાજર નથી.
6 ડેમના રિપોર્ટની તૈયાર કરવાની કામગીરી ચાલુ
કોમ્પ્રિહેન્સિવ ડેમ સેફ્ટી ઇવેલ્યુએશન (CDSE) અંગે પણ સ્થિતિ સંપૂર્ણ સંતોષકારક નથી. 15 કાર્યરત ડેમમાંથી 11 માટે ઇન્ડિપેન્ડન્ટ પેનલ ઑફ એક્સપર્ટ્સની નિમણૂક કરવામાં આવી છે. કુલ 13 નિષ્ણાત પેનલનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. પરંતુ અત્યાર સુધી માત્ર ત્રણ ડેમની CDSE રિપોર્ટ પૂર્ણ થઈ છે. છ ડેમની રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે અન્ય છ ડેમની CDSE હજુ શરૂ પણ કરાઈ નથી.
ઈમરજન્સીની તૈયારી પર તેની સીધી અસર પડી શકે
SDSOમાં યોગ્ય ટેક્નિકલ સ્ટાફની અછતને પણ રિપોર્ટમાં મહત્વની સમસ્યા ગણાવવામાં આવી છે. સંગઠન મુખ્યત્વે ઊર્જા નિર્દેશાલયના અધિકારીઓ અને કર્મચારીઓની મદદથી કામગીરી ચલાવી રહ્યું છે અને તેમને વધારાની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. નિષ્ણાતોની અછતના કારણે ડેમનું નિયમિત નિરીક્ષણ, ટેક્નિકલ મૂલ્યાંકન, ખામીઓના પાલનની દેખરેખ અને ઈમરજન્સીની તૈયારી પર તેની સીધી અસર પડી શકે છે.
ઇમરજન્સી સમયે બચાવ-પ્રતિસાદ પણ મુશ્કેલ
હિમાચલના પહાડો ભૌગોલિક સ્થિતિને કારણે ડેમ માટે ચોમાસાની ઋતુ ખાસ પડકારજનક છે. ક્લાઉડબર્સ્ટ, ફ્લેશ ફ્લડ, ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF), ભૂસ્ખલન, ભૂકંપ અને અતિશય વરસાદ જેવી કુદરતી ઘટનાઓ ડેમ પર અચાનક વધારાનું દબાણ ઊભું કરી શકે છે. દુર્ગમ વિસ્તારોમાં ખરાબ હવામાનને કારણે ડેમનું નિયમિત નિરીક્ષણ અને ઇમરજન્સી સમયે બચાવ-પ્રતિસાદ પણ મુશ્કેલ બને છે. તેથી SDSOએ ચોમાસા દરમિયાન 24 કલાક મોનિટરિંગ, અર્લી વૉર્નિંગ સિસ્ટમને અસરકારક રાખવા અને જિલ્લા વહીવટીતંત્ર સાથે વધુ સારા સંકલન પર ભાર મૂક્યો છે.
ડેમ અને નદીકાંઠાના વિસ્તારો પ્રવાસીઓ માટે આકર્ષણ
હિમાચલના ડેમ અને નદીકાંઠાના વિસ્તારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ ચોમાસા દરમિયાન અચાનક પૂર, પાણીનો પ્રવાહ વધવો અને ભૂસ્ખલનનું જોખમ રહે છે. તેથી ડેમને કેટેગરી-2માં રાખવામાં આવ્યા હોવાનો અર્થ સીધો ડેમ તૂટવાનો ખતરો નથી, પરંતુ સુરક્ષા સંબંધિત ખામીઓને કારણે સતત દેખરેખ જરૂરી છે.
ખાસ કરીને ભારે વરસાદ અથવા ફ્લેશ ફ્લડની ચેતવણી દરમિયાન પ્રવાસીઓએ નદી, ડેમના ડાઉનસ્ટ્રીમ વિસ્તાર અને જોખમી સ્થળોથી દૂર રહેવું તથા સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.