Sat Sep 05 2026

Logo

મુંબઈના ૫૦ શિક્ષકને મેયર પુરસ્કાર જાહેર:  માત્ર એક ગુજરાતી શિક્ષિકાને મેયર અવોર્ડ

2026-09-03 22:25:58
Author: Sapna Desai
મુંબઈના ૫૦ શિક્ષકને મેયર પુરસ્કાર જાહેર:  માત્ર એક ગુજરાતી શિક્ષિકાને મેયર અવોર્ડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ભારતરત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પાંચ સપ્ટેમ્બરના જન્મદિવસની સ્મૃતિમાં મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલોના શિક્ષકોને  આદર્શ શિક્ષણ મેયર પુરસ્કાર જાહેર કરવામાં આવે છે. દર વર્ષની માફક  આ વર્ષે ૫૦ જુદા જુદા માધ્યમથી શાળાઓના શિક્ષકોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં એકમાત્ર ગુજરાતી સ્કૂલના શિક્ષિકાનો પણ સમાવેશ થાય છે.

ગુરુવારે મુંબઈના મેયર રીતુ તાવડે દ્વારા મુંબઈ મહાનગરપાલિકાની ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, ઉર્દુ માધ્યમથી શાળાના શિક્ષકોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં વરલીમાં આવેલી એમ.પી.એસ. વરલી નાકાની ગુજરાતી માધ્યમથી સ્કૂલના શિક્ષિકા વીણા ચેતનકુમાર પ્રજાપતિનો પણ સમાવેશ થાય છે.

મુંબઈમાં છેલ્લાં અનેક વર્ષોથી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણવાનું પ્રમાણ વધ્યું હોવાથી ભાષાકીય સ્કૂલો એકપછી એક બંધ થઈ રહી છે, તેમાં પણ મુંબઈમાં ગુજરાતી માધ્યમથી સ્કૂલનું પ્રમાણ એકદમ ઘટી ગયું છે, જેમાં ખાનગી સ્કૂલ સહિત પાલિકા સંચાલિત સ્કૂલનો સમાવેશ થાય છે. 

પાલિકાના શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈમાં છેલ્લાં અનેક વર્ષોથી ગુજરાતી માધ્યમની પાલિકાની સ્કૂલમાં એડમિશન લેવાનું લગભગ બંધ થઈ ગયું છે. ભારે પ્રયાસ બાદ પણ વિદ્યાર્થીઓનો આંકડો વધારી શકાયો નથી. હાલ ગુજરાતી માધ્યમની શાળામાં ભણતા મોટાભાગના બાળકો આર્થિક રીતે નબળા વર્ગની શ્રેણીમાંથી આવે છે. હાલ મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ફક્ત ૩૫ જેટલી જ ગુજરાતી સ્કૂલ બચી છે, જેમાં માત્ર ૧,૩૩૭ વિદ્યાર્થી જ ગુજરાતી માધ્યમમાં શિક્ષણ લઈ રહ્યા છે અને તેમની માટે ૭૭ જેટલા ગુજરાતી શિક્ષકો છે.