મુંબઈ: બોલીવુડના સ્ટાર અભિનેતા વરુણ ધવને એક મહિના અગાઉ જ ખેતી માટે જમીન ખરીદી હતી. હવે જમીન ખરીદ્યા બાદ અભિનેતાએ ખેતી પણ શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર વરુણ ધવને ચાહકોને જણાવ્યું હતું કે તેમનું ખેતર ક્યાં સુધી ફેલાયેલું છે. વરુણે હાલમાં જ અમુક તસવીરો શેર કરી છે. વરુણ ધવણ વાવણી કરવાની સાથે માટીમાં પાવડો ચલાવતા જોવા મળ્યો હતો. ખેતીવાડીના કામમાં વ્યસ્ત જોવા મળ્યો પછી એની તસવીરો વાયરલ થયા પછી લોકોએ જોરદાર પ્રતિક્રિયાઓ આપી હતી.
વરુણ ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની ખેતી કરતી અમુક તસવીરો શેર કરી છે, જેમાં તેઓ એક સાથી સાથે ખેતરમાં વાવણી કરતા જોવા મળ્યા હતા. આ સાથે જ કેપ્શનમાં તેમણે લખ્યું છે, 'ખેતી શરૂ.'
વરુણ ધવનને લઈ લોકોએ પ્રતિક્રિયા આપી
વરુણ ધવનની આ તસવીરો જોઈને તેમના ચાહકોથી લઈને સેલિબ્રિટીઝ સુધી દરેકે કમેન્ટ્સ કરવામાં આવી હતી. જોકે, અમુક યુઝર્સે મઝાકના અંદાજમાં એમ પણ કહ્યું હતું કે 'વરુણે ટેક્સ બચાવવા માટે સારી યુક્તિ અજમાવી છે.' બીજાએ લખ્યું હતું કે 'અભિનંદન, હવે અસલી જીવન જીવી રહ્યા છો. હવે તમે તમારી જાતને મળી રહ્યા છો.' અન્ય એકે યૂઝરે લખ્યું હતું કે 'ફક્ત ફોટાઓ માટે ખેતી કરતો ખેડૂત.' એક યુઝરે લખ્યું 'સફેદ કપડા પહેરી ખેતરમાં કોણ જાય છે ભાઈ?'
વરુણે ઓગસ્ટમાં ખરીદ્યું હતું ખેતર

વરુણ ધવને ઓગસ્ટ 2026માં પોતાનું ખેતર ખરીદ્યું હતું. આ સાથે જ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેમાં તે ખેતરમાં ઊભા રહીને ચા બિસ્કિટ ખાઈ રહ્યો હતો. સાથે કહ્યું હતું કે 'મિત્રો હું તમારી સાથે એક ખબર શેર કરવા માંગુ છું. આ મારા જીવનની સૌથી મોટી સફળતા છે. મેં એક ખેતર ખરીદ્યું છે. આ ખેતર મેં લીધું છે, અને મને એવું નહીં પૂછતાં કેમ, પરંતુ બસ અહીંયા ઊભા રહીને આ મોસમમાં ચા અને બિસ્કિટની મજા લેવી અદભૂત વાત છે.'
બોલીવુડના અનેક કલાકારોના છે ફાર્મહાઉસ
ચાહકોએ વરુણને ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. વરુણ સિવાય અનેક ફિલ્મ સ્ટાર્સ છે, જે એક્ટિંગ સાથે ખેતી પણ કરે છે અને અનેક એકર જમીન લઈને ફાર્મહાઉસ પણ બનાવી રાખ્યા છે. જેમાં જેકી શ્રોફથી માંડીને સુનિલ શેટ્ટી, જુહી ચાવલા, સલમાન ખાન, સોનુ સુદ, સુનિલ લહેરી, પ્રીતિ ઝિન્ટા, આર માધવન અને નવાઝુદ્દીન સિદ્દીકીના નામો સામેલ છે.