મુંબઈ: બોલ્ડ અને બિંદાસ અંદાજ માટે જાણીતી અભિનેત્રી રાખી સાવંત ફરી ચર્ચામાં આવી છે. આ વખતે તે પોતાના ધાર્મિક જીવન અને મક્કામાં કરેલી ઉમરાહને લઈને ચર્ચામાં છે. રાખી સાવંત તાજેતરમાં ઉમરાહ માટે મક્કા પહોંચી હતી, જ્યાંથી તેના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં તેનો એકદમ અલગ અને ધાર્મિક અંદાજ જોવા મળી રહ્યો છે.
રાખી સાવંતે આદિલ ખાન દુર્રાની સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન દરમિયાન તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. જોકે બાદમાં બંનેના સંબંધો તૂટી ગયા, પરંતુ રાખી હજુ પણ ઈસ્લામ ધર્મનું પાલન કરતી હોવાની માહિતી મળી છે. મક્કામાં ઉમરાહ દરમિયાન તેણે ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલી ઘણી વાતો પણ શેર કરી હતી.
‘મમ્મી જીવિત હોત તો તેમને પણ ઈસ્લામ કબૂલ કરાવત’
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં રાખી સાવંત કાળા રંગના બુરખા અને હિજાબમાં જોવા મળે છે. તેના આ બદલાયેલા લુકે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. જોકે, તેના કપડાં કરતાં વધુ તેની વાતોએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. વીડિયોમાં રાખી પોતાની સ્વર્ગસ્થ માતાને યાદ કરતી જોવા મળે છે. તેણે કહ્યું કે જો તેની માતા આજે જીવિત હોત તો તે તેમને પણ ઈસ્લામ કબૂલ કરવા માટે સમજાવત.
રાખીએ કહ્યું કે તે પોતાની માતાને હાથ-પગ જોડીને પણ ઈસ્લામ કબૂલ કરવા માટે કહેતી અને તેમને પોતાની સાથે અહીં લાવત. તેણે આગળ જણાવ્યું કે તેણે પોતાના માતા, પિતા અને પરિવારના અન્ય સ્વર્ગસ્થ સભ્યો માટે પણ દુઆ કરી છે. રાખીએ ભાવુક થઈને કહ્યું કે તેની માતા-પિતા અને પરિવારના સ્વર્ગસ્થ સભ્યો માટે તે મક્કામાં પ્રાર્થના કરી રહી છે અને તેને આશા છે કે તેની આ દુઆ તેમના સુધી પહોંચે છે અને તેમને સાંત્વના મળે છે. તેણે પોતાને ‘રાખી ફાતિમા’ તરીકે પણ સંબોધી હતી અને કહ્યું હતું કે તે કાબા શરીફમાં પોતાના પરિવાર માટે દુઆ કરી રહી છે.
મક્કામાં મળ્યો શાંતિનો અનુભવ
રાખી સાવંતે અન્ય એક વીડિયોમાં ઉમરાહ દરમિયાન મળેલા આધ્યાત્મિક અનુભવ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે મક્કા જઈને તેને ખૂબ જ સુકૂન અને શાંતિનો અનુભવ થાય છે. રાખીના જણાવ્યા અનુસાર, મક્કાથી પરત ફરતી વખતે તે ખૂબ રડી હતી, કારણ કે ત્યાંથી પાછા આવવાનું તેનું મન નહોતું. તેણે એવું પણ કહ્યું કે મક્કામાં તે બાળકની જેમ નિશ્ચિંત થઈને સૂઈ જાય છે અને પરત આવ્યા બાદ તેને મક્કાની ખૂબ યાદ આવે છે.
ચાહકોને પાંચ વખત નમાજ પઢવાની અપીલ
રાખીના અન્ય એક વીડિયોમાં તે લોકોને પાંચ વખતની નમાજ પઢવાની હિદાયત કરતી પણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે પોતાના બોલ્ડ અને બિન્દાસ અંદાજ માટે જાણીતી રાખીનો આ ધાર્મિક અને શાંત અંદાજ તેના ચાહકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તે મક્કામાં અલ્લાહ હુ અકબરના નારા લગાડતી ભક્તોને દાન કરતી જોવા મળી હતી. જેમાં સિક્યોરિટી તેને અટકાવતા પણ દેખાઈ રહ્યા હતા.
ઉમરાહ દરમિયાનના તેના વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે. તેના બદલાયેલા અંદાજ અને ધાર્મિક વાતોને લઈને ચાહકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈક તેને લવ જેહાદ સાથે સરખાવી રહ્યું છે તો કોઈ રાખી સાવંતને બિરદાવી રહયું છે. તો કેટલાક લોકો તેના આ નિવેદનની મજાક પણ ઉડાવતા જોવા મળી રહ્યા છે.